તાપી

સોનગઢના મોટી ખેરવાણ ગામમાં LED બલ્બ વેચાણ માટે કાર ભાડે આપ્યા બાદ માલિક સાથે ભાડુતીની ઠગાઇ

સોનગઢ તાલુકાના મોટી ખેરવાણ ગામના એક ખેડૂતે પોતાની ઇકો કાર એક રાજસ્થાની યુવકને ભાડે આપી હતી.આ યુવકે માત્ર ચાર માસનું ભાડું ચૂકવીને બાદમાં કાર લઈ નાસી જતાં પોલીસ મથકે જાણ કરવામાં આવી છે.

આ અંગે મળેલી વિગત મુજબ સોનગઢના સર્વોદય નગરમાં ભાડેથી રહેતો અને મૂળ જયપુર રાજસ્થાનનો આકાશ રાજકુમાર ચુરીવાલ કાર લઈ ગામડે ગામડે LED બલ્બનું વેચાણ કરવા જતો હતો. આકાશ ચુરીવાલ આ જ કામના સંદર્ભે મોટી ખેરવાણ ગામે ગયો હતો ત્યાં તેની ઓળખ ઉકાજી રતિલાલ ગામીત નામના ખેડૂત સાથે થઈ હતી. ગત 20/04/24ના રોજ આકાશ ચુરીવાલએ ઉકાજી ગામીતની ઇકો કાર નંબર GJ-26-A-4703 પ્રતિ માસના રૂ.7000 રૂપિયા પ્રમાણે ભાડે રાખી હતી.

આરોપી આકાશે ઇકો કાર ભાડે લીધાં બાદ શરૂઆતમાં ચાર માસ સુધી નિયમિત ભાડું ચૂકવ્યું હતું જે લગભગ રૂ.28,000 જેટલું થાય છે એ પછી ગત 31/10 /24 પછી ભાડું ચૂકવવાનું બંધ કરી દીધું હતું. એ પછી ઉકાજીભાઈએ અવારનવાર ભાડાની ઉઘરાણી કરી હતી પણ આકાશ ખોટે ખોટા વાયદા કરતો હતો.

આખરે ઇકો કારના માલિક ઉકાજી ભાઈ આરોપી આકાશની તપાસ કરવા માટે સર્વોદય નગર ખાતે જતાં તેનું ભાડાનું ઘર બંધ મળ્યું હતું અને પાડોશીને પૂછતાં તે ઘર ખાલી કરી સામાન ભરીને ચાલી ગયો હોવાની વિગત બહાર આવી હતી. આમ ભાડાની લાલચમાં અજાણ્યા ઈસમ ને ઇકો કાર ભાડે આપનાર ઉકાજીભાઈ એ અંતે ઇકો કાર ગુમાવવાનો વારો આવ્યો હતો. આ અંગે ફરિયાદી એ પોલીસને જાણ કરતાં પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

 

Related Articles

Back to top button