ઉચ્છલના પેથાપુર ગામનો રસ્તો બનાવ્યા વિના નાણાં ચૂકવાઈ ગયાં હોવાના આક્ષેપ સાથે તપાસની માગ

ઉચ્છલ તાલુકાના વડદેખુર્દ ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં સમાવિષ્ટ ગામોમાં વિકાસના કામો યોગ્ય કરવામાં ન આવતી હોવાની રાવ સાથે સ્થાનિકોએ મામલતદારને ફરિયાદ કરી હતી.
ઉચ્છલ તાલુકાના પેથાપુર ગામના નવ યુવાનોએ ઉચ્છલ મામલતદાર ને લેખિત ફરિયાદ કરી વડદેખુર્દ ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા થયેલાં વિકાસ કામોની તપાસ કરવા માટે માગ કરી હતી. આ અંગે પેથાપુર ગામમાં રહેતાં ફરિયાદી યુવાનોએ આક્ષેપ કરતાં જણાવ્યું કે પેથાપુર ગામમાં ગ્રામ પંચાયત મારફત રસ્તાનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું. આ રસ્તાનું કામ શરૂ થયું હતું પછી આ કામગીરી બંધ થઈ ગઈ હતી જેથી રસ્તાનું કામ હજી સુધી પૂર્ણ કરવામાં આવ્યું નથી અને ફરિયાદીના કહેવા મુજબ રસ્તો બન્યાં પહેલા જ જે તે એજન્સીને નાણાંનું ચૂકવણું કરી દેવામાં છે જે ખોટું છે. આ કામે ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ અને સ્થાનિક સભ્ય સામે કાયદેસરની કાર્યવાહી કરી સરકારી નાણાંના દુર્વ્યય બાબતે પગલાં ભરવામાં આવે તેવી રજુઆત પણ કરી હતી. આ ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા પેથાપુર, લીંબાસોટી, મોગલબારા અને વડદેખુર્દ વગેરે ગામોમાં આજે પણ વિકાસના રોડ,રસ્તા જેવા પ્રાથમિક કામો પણ કરવામાં આવ્યા નથી અને લોકો આઝાદી બાદ પણ સુવિધા મેળવી શક્યા નથી એ હકીકત છે. આ ફરિયાદની નકલ કલેક્ટર, સચિવ ગ્રામીણ વિકાસ, ગાંધીનગર અને મુખ્યમંત્રી કાર્યાલય સુધી મોકલી છે ત્યારે તંત્ર દ્વારા ગ્રામજનોની ફરિયાદ બાબતે યોગ્ય તપાસ કરાવે અને ઉપરોક્ત ગામડાંમાં વિકાસ કામોની ફાળવણી કરે એ જરૂરી છે. સરકાર દ્વારા ગામડાં માં વિકાસ કામો બાબતે મોટી રકમ ફાળવવામાં આવે છે પણ આ રૂપિયા થતી કામગીરી યોગ્ય રીતે થઈ કે નથી એની તપાસ કરાવવા માં આવતી નથી.અમારા ગામમાં રસ્તાનું કામ આજે ઘણાં સમયથી અધુરુ પડ્યું છે આ કારણે લોકો હેરાન થઈ રહ્યા છે જ્યારે આ બાબતે ગ્રામ પંચાયત લેવલે ફરિયાદ કરીએ છે તો યોગ્ય જવાબ મળતો નથી.અમારા ગામમાં આજે પણ યોગ્ય પ્રમાણમાં રસ્તાની સુવિધા ઉપલબ્ધ નથી. કેતિક ચંદુલાલ ગામીત, પેથાપુર




