સોનગઢ એપીએમસી માર્કેટ ખાતે રવિ કૃષિ મહોત્સવ અને સેવા સેતુ યોજાયો
અંદાજિત 700થી વધુ ખેડૂતોએ આધુનિક ટેકનોલોજીથી સજ્જ કૃષિ પ્રદર્શનો નિહાળ્યા

તાપી જિલ્લાના સોનગઢ એપીએમસી માર્કેટ યાર્ડ,દેવજીપુરા ખાતે સાંસદ પ્રભુ ભાઈ વસાવા ના અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવ -2023 અને સેવા સેતુ યોજાયો હતો. જેમાં સોનગઢ તાલુકાના અંદાજિત 700 થી વધુ ખેડૂત ભાઈઓ-બહેનો એ આધુનિક ટેકનોલોજી થી સજ્જ કૃષિ પ્રદર્શનો નિહાળ્યા હતા.
રાજ્યના કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ આયોજિત રવિ કૃષિ મહોત્સવમાં સાંસદ પ્રભુભાઈ વસાવા એ ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી અપનાવીને આપણે પોતાની આવક બમણી કરવી જોઈએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પારંપરિક દેશી ધાન્યોને પ્રોત્સાહન આપી આ વર્ષને મીલેટ યર જાહેર કર્યું છે એ ખરેખર સરાહનીય કાર્ય છે.આપણાં દેશી અનાજ નાગલી, જુવાર, ચીણો, કાંગ,વરઈ (મોરૈયો), સામો, કોદરો, કોદરી, બંટી, લાલ કડા વિગેરે ખૂબ જ પૌષ્ટિક છે, જેમાંથી ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી રહે છે. આ ધાન્યોમાં કેલ્શીયમ અને આયર્ન પુષ્કળ પ્રમાણમાં હોવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આજે રાસાયણિક ખાતરો ના વધુ ઉપયોગના કારણે રોગોનું પ્રમાણ વધ્યું છે. જે આપણાં આરોગ્ય માટે જોખમી છે. જેથી આપણે આવા ધાન્યોને વૈશ્વિક ફલક ઉપર લઈ જઈએ તો મૂલ્યવર્ધન થકી ખેડૂતો આર્થિક ઉપાર્જન કરી શકશે તેમજ ખેડૂતોએ હાથ લાંબો કરવો નહીં પડે.પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ તાપી જિલ્લાના 98000 ખેડૂતોએ છેલ્લા ચાર વર્ષમાં 23 કરોડ 52 લાખ રૂપિયા ખેડૂત ભાઈઓ-બહેનોના ખાતામાં ડીબીટી માધ્યમથી આપવામાં આવ્યા છે.




