ડાંગ કોંગ્રેસે આહવા પોલીસ મથકે આવેદનપત્ર પાઠવ્યું, અને કહ્યું, ‘રાહુલ ગાંધીને ધમકી આપનાર ભાજપીઓ સામે FIR નોંધો.’

સાપુતારા ભાજપના નેતા તરવિન્દર સિંહ મારવાહએ ગત 11મી સપ્ટેમ્બરના રોજ ભાજપના એક કાર્યક્રમમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તથા શિંદે સેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડ (મહારાષ્ટ્રમાં ભાજપનાં સહયોગી) 16મીના રોજ જાહેરમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની જે કોઇ જીભ કાપશે તેને 11 લાખ ઈનામ આપીશ તથા રેલવે રાજ્ય મંત્રી રવનીત બિટ્ટુએ 15મી રોજ મીડિયા સાથે જાહેરમાં વાત કરતી વખતે વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ‘દેશનો નંબર વન આતંકવાદી’ કહ્યો હતો. તેમણે હિંસા ભડકાવવા અને શાંતિ ભંગ કરવાના ઉદ્દેશ્ય સાથે રાહુલ ગાંધી વિરુદ્ધ જાહેરમાં જાણી જોઈને નિવેદન આપ્યું હતું. આ સહિતના કેટલાક ભાજપના નેતાઓ અને તેમના સહયોગી દ્વારા રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકીઓ અપાઇ હોય જેને લઇને કોંગ્રેસમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાઓ દ્વારા, ભાજપ/તેના સાથી પક્ષોના નેતાઓ, વિપક્ષના નેતાની સલામતી અને સુરક્ષાને જોખમમાં નાંખવાનો ઈરાદો ધરાવે છે તેમજ સમગ્ર દેશમાં જાહેર શાંતિને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરે છે. ખાસ કરીને કેટલાક રાજ્યમાં ચાલી રહેલી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને અપકૃત્ય કરી રહ્યાં છે જેવા આક્ષેપો ડાંગ જિલ્લા કોંગ્રેસ પક્ષે કર્યા હતા તેમજ આ તમામ ગુનેગારો સામે BNS, 2023ની સંબંધિત જોગવાઈઓ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવે તેવી માંગ સાથે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં કાર્યકારી પ્રમુખ સ્નેહલ ઠાકરેની આગેવાનીમાં આહવા પોલીસ સ્ટેશનમાં આવેદન આપી એફઆઈઆર નોંધવાની માંગ કરી હતી.




