ઉમરપાડા તાલુકામાં 4 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબકતા જળ બંબાકારની સ્થતિ સર્જાઈ

સુરતના છેવાડે આવેલ અને ચારેયકોર જંગલોથી ઘેરાયેલા ઉમરપાડા તાલુકામાં 4 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબકતા જળ બંબાકારની સ્થતિ સર્જાઈ હતી. ઘણા નદીઓના લો લેવલ બ્રિજ પાણીમાં ડૂબી ગયા હતા.
ગુજરાતમાં અષાઢ અને શ્રાવણમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ ભાદરવો પણ ભરપૂર જોવા મળી રહ્યો છે. આજે સવારે 6થી 10 વાગ્યા દરમિયાન સુરતના ઉમરપાડામાં ચાર કલાકમાં 10 ઈંચ ઈંચ વરસાદ ખાબકતા આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. બે કલાકના ગાળામાં જ વરસેલા ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયાં હતાં. વરસેલા ભારે વરસાદને લઈને નદી નાળાઓ છલકાઈ ગયા હતા.
પિનપુર ગામથી દેવઘાટને જોડતો રસ્તો થયો બંધ
ઉમરપાડા તાલુકાના પીનપુર ગામ પાસે પસાર થતી વીરા નદીમાં ભારે પાણીની આવક થતાં વીરા નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ડૂબી ગયો હતો. જેને લઇને પિનપુરથી દેવઘાટનો સીધો સંપર્ક તુટી ગયો છે. વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. જોકે હાલ મેઘરાજા એ વિરામ લેતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે. વરસેલા ભારે વરસાદને લઈને ઉમરપાડા તાલુકાની મહુવન નદી, વીરા નદીઓમાં હાલ ભારે પાણીની આવક થઈ છે.




