ડોલવાણમાં હરીપુરા રસ્તો, પંચોલ પુલનો એપ્રોચ, પીપલવાડા બંગ્લીથી માવચી ખડકી જતા રસ્તામાં કોઝવેનો એપ્રોચ માર્ગો ધોવાયા

ડોલવણ તાલુકામાં છેલ્લાં બે દિવસથી ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. સોમવારે ઓલણ,અંબિકા અને પૂર્ણા નદી ગાંડીતૂર બની જતા ઠેર ઠેર પાણી ભરાતા લોકોને હાલાકી પડી છે. કિનારે આવેલ ગામો પ્રભાવિત થયા હતા. જેમાં પુલના એપ્રોચ, કોઝવેના એપ્રોચનું મોટું ધોવાણ થયું છે. તાલુકામાં પૂરના પ્રકોપની વચ્ચે લાખોનું નુકશાન જોવા મળ્યું હતું.

ડોલવાણ તાલુકાની વિઝીટ કરતા, અમુક સ્થળે વહીવટીતંત્ર પહોંચે તે પહેલાં ટીમ પહોંચી હતી. માર્ગના પુલ કોજવેને મોટું નુકશાન જોવા મળ્યું હતું. બરડીપાડાથી હરીપુરા રસ્તો તથા ગરનાળાનો સ્લેબ પાણીના વહેણમાં છૂટો પડી એક તરફ ઉખડી ગયો જોવા મળ્યો હતો. ત્યાંથી માત્ર ટુ વ્હીલર જોખમ સાથે અવર જવર કરતા જોવા મળ્યા હતા.અહી બપોર સુધી વહીવટીતંત્ર પહોચી શક્યું ન હતું. પંચોલ પુલનો એપ્રોચનું ધોવાણ થઈ ગયું હતું. જોકે ધોવાણ વિસ્તાર કોર્ડન કરીને વાહન વ્યવહાર ચાલુ કરાયો હતો.

પીપલવાડા બંગ્લીથી માવચી ખડકી જતો રસ્તામાં કોઝવેનો એપ્રોચ ધોવાણ થવાથી રસ્તો સતત બે દિવસથી બંધ છે. વાહન વ્યવહારની અવર જવર બંધ થતાં લોકોને હાલાકી થઈ રહી છે. વ્યારા ધારાસભ્ય મોહનભાઈ કોકણીના ઘરના પાસે આવેલ વેરિંગ કોડને પણ નુકસાન જોવા મળ્યું હતું, આવા અનેક નાના પુલનું ધોવાણો થવાથી વાહન વ્યવહારની અવર જવરમાં હાલાકી લોકોએ વેઠવી પડી હતી. મંગળવારે અમુક સ્થળે માર્ગ મકાન વિભાગની ટીમ પણ રીપેરીંગ કામ કામગીરી કરતા જોવા મળ્યા હતા.
ટકીયાઆંબામાં પાણી ડુંગર પરથી આવ્યું
ઉંમરવાવ દૂરગામમાં સુરતાબેન કનુભાઈ ચૌધરી, કંચનબેન કાળુભાઈ ચૌધરીના મકાનની તમામ ઘરવખરીને નુકસાન થયું હતું. ટકીયાઆંબા ગામમાં ડુંગર પરથી વરસાદી પાણીનું વહેણ નીચે આવતા ગામ અસરગ્રસ્ત બન્યું હતું. નિશાળ ફળિયામાં શાળાની દિવાલ ધરાશાય થઈ હતી અને ડીજીવીસીએલનો જીવંત થાંભલો લીલાબેન ગણેશભાઈના ઘર ઉપર તૂટી પડ્યો હતો. પરંતુ ચમત્કારીક રીતે બચાવ થયો હોવાનું જણાવ્યું હતું.
3 જગ્યાએ નાળાનું ધોવાણ, બાળકોને શાળા જવામાં મુશ્કેલી
કણધા ગામના સરપંચ પ્રતાપભાઈ પટેલે જણાવ્યું હતું કે આજ દિન સુધી અમે આવો પુર કે વરસાદ જોયુ નથી. આ વરસાદને કારણે ઘાઘર ફળિયા, ડુંગર ફળિયા તથા નિશાળ ફળિયામાં 3 જગ્યાએ નાળાનું ધોવાણ થઈ જવાથી નિશાળ જતા બાળકો માટે રસ્તો પસાર કરવું ખૂબજ મુશ્કેલ છે.
ડોલવણ તાલુકામાં માર્ગો અને ખાસ કરીને ગરનાળા કોઝવે કે નાના પુલોને નુકશાન વધુ થયું છે, જેને કારણે લોકોના અવરજવર માટે મોટા ફેરાવો ખાવા પડે છે. માર્ગ મકાન વિભાગ દ્વારા કેટલાક સ્થળો પર કામગીરી હાથ ધરતા કામગીરી એક બે દિવસમાં પૂર્ણ થતા વાહન વ્યવહાર કાર્યરત થઈ જશે.




