નવસારી

નવસારી મહાપાલિકામાં સિક્યુરિટી એજન્સીના ₹9 લાખ અટવાયા

નવસારી શહેરમાં નગરપાલિકાથી મહાનગરપાલિકામાં રૂપાંતરની પ્રક્રિયા દરમિયાન એક સિક્યુરિટી એજન્સીના ₹9 લાખ અટવાયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. દિશા સિક્યુરિટી એજન્સીને શહેરના વિવિધ સ્થળોએ સિક્યુરિટી સેવાઓ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવનાર હતો, પરંતુ વર્ક ઓર્ડર જારી થાય તે પહેલાં જ નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થતાં પ્રક્રિયા અટકી પડી હતી.

એજન્સીએ સિક્યુરિટી ડિપોઝિટ પેટે ₹2,93,410, પરફોર્મન્સ બોન્ડ તરીકે ₹5,86,810 અને ₹14,360ના સ્ટેમ્પ પેપર મળી કુલ ₹9 લાખની રકમ જમા કરાવી હતી. આ રકમ હાલ પરત મળી નથી, જેના કારણે એજન્સીના સંચાલક વિનોદ સાલવેએ મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીને પત્ર લખીને રકમ પરત મેળવવા અરજી કરી છે.

વર્તમાનમાં છેલ્લા પાંચ મહિનાથી શહેરના તળાવ, બાગ-બગીચા, પાલિકાની કચેરી, ટાટા હોલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, તરણકુંડ, જીમ, ડાન્સિંગ ફુવારો અને વોટર વર્ક્સ જેવા સ્થળો પર કોઈ સિક્યુરિટી ગાર્ડ નથી, જેના કારણે આ સ્થળો અસુરક્ષિત સ્થિતિમાં છે.

મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીએ આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે એક અઠવાડિયામાં નવી એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવશે અને જૂની એજન્સીના નાણાં પણ પરત કરવામાં આવશે. આમ, આ સમગ્ર મામલાનો ટૂંક સમયમાં નિકાલ આવવાની આશા છે.

Related Articles

Back to top button