ડાંગ જિલ્લામાં મનરેગા કાયદા હેઠળ મસ્ટર દીઠ 1 હજારની માંગણી કરાતી હોવાનો ગંભીર આક્ષેપ સુબીર તા.પંચાયત સામાજીક ન્યાય સમિતિના સભ્ય દ્વારા કરવામાં આવ્યો છે

ડાંગ જિલ્લામાં મનરેગા કાયદા હેઠળ સુબીર તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના સભ્ય દ્વારા APO દ્વારા મનરેગાના મસ્ટર દીઠ 1000 રૂપિયાની માંગણી કરતો હોવાનો આક્ષેપ સાથે ફરિયાદ કરતા ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લામાં ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયતની સરકારી યોજનામાં ભારે ભ્રષ્ટાચાર ફુલ્યો ફાલ્યો હોવાના અખબારી અહેવાલો બાદ પણ તંત્ર દ્વારા ભ્રષ્ટાચારીઓ સામે કોઈ પગલાં ન ભરતા ગેરરીતિઓ બેફામ બની છે. સુબીર તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના સભ્ય સુનિતાબેન એલ.પવાર દ્વારા સુબીર તા.પં.માં મનરેગા યોજનામાં APO તરીકે ફરજ બજાવતા પરિમલભાઇ એન.સોલંકી મસ્ટર દીઠ રૂ 1 હજારની માંગણી કરતો હોવાનું અને માંગણી પૂર્ણ ન થાય તો મસ્ટર ડિલિટ કરી દેવાની ધમકી આપતો હોવાની ટીડીઓ, જિલ્લા ગ્રામ વિકાસ અધિકારી સહિત ડીડીઓને લેખિત ફરિયાદ કરી APOને તત્કાલિત અન્ય જગ્યાએ બદલી કરવા રજૂઆત કરતા પંચાયત વર્તુળમાં ખળભળાટ મચી ગયો છે.
તેમણે વધુમાં ગંભીર આક્ષેપ કર્યો હતો કે APO દ્વારા વિકાસકીય કામોમાં મનમાની ચલાવીને અઘટિત માંગણી કરતાં હોય જિલ્લાનો વિકાસ અટકી ગયો છે. APO દ્વારા મસ્ટર દીઠ ગેરકાયદેસર નાણાં માંગવાની ઘટનામાં ખુદ સામાજિક ન્યાય સમિતિના સભ્ય પણ ભોગ બન્યા હોવાની ચોંકાવનારી રજુઆત તાલુકા વિકાસ અધિકારી સહિત જિલ્લા વિકાસ અધિકારીને કરવામાં આવી છે. ડાંગ જિલ્લામાં અન્ય સરકારી કચેરીઓમાં ચાલતો ભ્રષ્ટાચાર મામલે પણ સરકાર ગંભીર બની સુશાસન વહીવટ બનાવે તે જરૂરી છે. સમગ્ર બાબતે તટસ્થ તપાસ હાથ ધરાય તો મસમોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા નકારી શકાય નહીં.




