ઉનાળો તો શરૂ નહિ થયો ને, પાણીની સમસ્યાનો પોકાર શરૂ; માંડવીમાં વદેશીયા ગામમાં પીવાના પાણીની ગંભીર કટોકટી
નિશાળ અને ઉપલા ફળિયામાં સૌથી વધુ સમસ્યા

માંડવીના વદેશીયા ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને ગામના નિશાળ ફળિયા અને ઉપલા ફળિયામાં રહેતા લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે. ગામમાં પાણી વિતરણની કોઈ વ્યવસ્થિત સુવિધા ન હોવાથી લોકોને દૂર-દૂરથી પાણી લાવવું પડે છે.
ઉનાળાની ઋતુમાં જ્યારે પાણીની માગ વધે છે, ત્યારે પરિસ્થિતિ વધુ કફોડી બને છે. ગ્રામજનોએ આ સમસ્યાના સમાધાન માટે વારંવાર સત્તાધીશો સમક્ષ રજૂઆત કરી છે, પરંતુ અત્યાર સુધી કોઈ ઠોસ પગલાં લેવાયા નથી. હાલમાં ગામમાં વહીવટદારનું શાસન હોવા છતાં પાણીની સમસ્યા યથાવત છે.
ગામના લોકોએ માંડવી પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી છે, જેમાં ઉનાળા દરમિયાન પાણી માટે ટેન્કરની વ્યવસ્થા કરવાની માગણી કરવામાં આવી છે. આ ઉપરાંત, બસ સ્ટેશનથી એપ્રોચ રોડનું નવીનીકરણ, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સર્વે શરૂ કરવા અને પાણી સંબંધિત કામગીરીને તાત્કાલિક મંજૂરી આપવાની માગણી પણ કરવામાં આવી છે.




