ડેડીયાપાડાના નવાગામમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમમાં મધ્યાહન ભોજનનાં સંચાલકો પાસેથી પંદર ટકા કમિશન લેવામાં આવતું હોવાની લોકોએ રજૂઆત

ડેડીયાપાડા તાલુકાના નવાગામમાં બે જિલ્લા પંચાયતનાં 60 ગામોનો ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત લોકોએ ભાજપ સાંસદ મનસુખ વસાવાને ભ્રષ્ટાચારની અને સ્થાનિક અધિકારીઓ વિરુદ્ધની ગંભીર ફરિયાદો કરી હતી. દરમિયાન ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આવા ગંભીર પ્રશ્નોને લઈ તુરંત નર્મદા જિલ્લા કલેક્ટરને જાણ કરી કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.
ડેડીયાપાડા તાલુકાના નવાગામમાં બે જિલ્લા પંચાયતનાં 60 ગામોનો ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપ સાંસદ મનસુખ વસાવા, ડેડીયાપાડા પ્રાંત અધિકારી, ડેડિયાપાડા મામલતદાર તથા ડેડિયાપાડાના ટી.ડી.ઓ ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ ડી.આર.ડી, ટ્રાઈબલ સબ પ્લાન, મધ્યાહન ભોજન જેવાં અગત્યનાં વિભાગમાંથી કોઈ પણ હાજર રહ્યું ન હતું. આ અધિકારીઓની ગેરહાજરી બાબતે મનસુખ વસાવાએ ગંભીર નોંધ લીધી હતી. આ કાર્યક્રમમાં હાજર મધ્યાહન ભોજનનાં સંચાલકોએ મનસુખ વસાવાને ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, અમારી પાસેથી પંદર ટકા કમિશન લેવામાં આવે છે. કેટલાક વિભાગનાં કામો માટે વારંવાર ધક્કા ખાવા પડે છે. જો કે આ બાબતે મનસુખ વસાવાએ નર્મદા જિલ્લા કલેક્ટરનો સંપર્ક કરી ધ્યાન દોર્યું.
આ બાબતે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, સરકારના ‘સેવા સેતુ’ કાર્યક્રમનો આશય ખૂબ જ સારો છે. ગરીબ લોકોને ઘરઆંગણે જ વિવિધ યોજનાઓનો લાભ મળે, પરંતુ વિવિધ વિભાગોમાં યોગ્ય રીતે કામ થતું ન હોવાથી લોકો નારાજ છે એ પણ સત્ય હકીકત છે. ડેડીયાપાડા જેવી જ સ્થિતિ સાગબારા તાલુકામાં પણ છે. તાલુકા વિકાસ અધિકારી અને તેમના હાથ નીચેના અધિકારીઓ વિશે પણ ગંભીર ફરિયાદ મારી પાસે આવી છે. વારંવાર રજૂઆતો છતાં તેઓ લોકોનું કામ કરતા નથી. સરકારમાં જવાબદાર મહાનુભવોનું આ અંગે મે ધ્યાન દોર્યું છે.




