
સુરત જિલ્લામાં માંડવી તાલુકા ખેતી ક્ષેત્રે અગ્રણી તરીકે આગળ આવે છે. મોટાભાગના ખેડૂતો ભારેમાસ ખેતી કરી છે. પણ તેઓ હંમેશા લાચારી અનુભવતા હોય છે. ક્યારે ભૂંડના ત્રાસથી તો ક્યારેક વીજ કાપથી, તો ક્યારેક ખેતરોમાં વીજ/મોટર ચોરીથી.
છેલ્લા ઘણા સમયથી અવારનવાર માંડવી પંથકના અનેક વિસ્તારોમાં ખેતરોમાં વીજ કેબલ, મોટર કે પછી પાઇપોની ચોરીના કિસ્સાઓ જાહેરમાં આવતા હોય છે. પરંતુ આ કેસો અવારનવાર થાય છે એનું ક્યાંક તો એ કારણ તો નથી ને કે ચોરોને પોલીસનો કે પછી કાયદાનો ડર રહ્યો ન હોય.
મળતી માહિતી મજુબ, માંડવી તાલુકાના ઘંટોલી ગામે રૂંઢીયા ફળિયામાં રહેતા આદિવાસી ખેડૂતો પોતાની ટૂંકી ખેતીમાં પાણીની સુવિધા માટે બોર કરી સબમર્સીબલ મોટર ગોઠવતા હોય છે. અને રવિ પાક તથા અન્ય પાકોનું વાવેતર કરી આવક મેળવવા મથામણ કરતા હોય છે. પરંતુ હાલમાં કેબલ વાયર ચોરીની ખેડૂતો માટે નવી આફત શરૂ થઈ છે. પાણીના બોર પર ગોઠવાયેલ ઈલેક્ટ્રીક મોટર સાથે વીજ થાંભલા સુધીનો તથા મીટર સુધીના કેબલ વાયરો ચોરી થવા લાગ્યા છે.
માંડવી તાલુકાના ઘંટોલી ગામે રૂંઢીયા ફળિયામાં રહેતા 15 થી 20 સામાન્ય આદિવાસી ખેડૂતોની મોટર પર ગોઠવાયેલ કેબલ વાયરો એક જ રાતમાં ચોરાઈ જતા તમામ ખેડૂતો ચિંતાતુર બન્યા છે. કેબલ ચોરીથી આર્થિક નુકસાન તો ખરું પરંતુ મોટર બંધ થઈ જતા ઉભા પાકોને પણ મોટું નુકશાન થઈ રહ્યું છે.
આ અગાઉ માંડવી તાલુકાના અંત્રોલી ગામે 30થી 35 ખેડૂતની મોટર પરના કેબલ ચોરાયા બાદ થોડા દિવસ પહેલા માંડવી નગરના અંધાત્રી ફળિયામાંથી પણ 10 થી 15 ખેડૂતોની મોટરના કેબલ કાપી ચોરી ગયા હતા.
માંડવી તાલુકામાં એક બાજુ દીપડાઓના હુમલાની ઘટના વધી રહી છે જેની સાથે કેબલ ચોરીની ઘટના પણ વધી રહી છે જેથી ખેડૂતોને મોટુ નુકસાન સહન કરવાના સંજોગો નિર્માણ થયા છે. હવે ખેડૂતો ફક્ત પોલીસ પાસે આસ રાખીને બેઠા છે કે, ક્યારે ચોરો પકડાય અને તેઓનો ચોરી કરેલ માલ ફરી મળે અને રાતના પોલીસની પેટ્રોલિંગ વધે. જેથી ચોરો આવું કૃત્ય ન કરે. હવે જોવાનું જોગ એ પણ છે કે, ખેડૂતોને ન્યાય ક્યારે મળશે?




