મનરેગામાં નેતાઓ-અધિકારીઓની મિલીભગત – મનસુખ વસાવા

નર્મદા જિલ્લામાં સહિત રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ચાલુ વર્ષ 2024-25 માટે મનરેગા યોજનામાં અલગ અલગ કામો માટે ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં ટેન્ડરો મંગાવવામાં આવ્યા છે. પરંતુ, આ ટેન્ડરોને લઈને હાલમાં વિવાદ થઈ રહ્યો છે. કારણ કે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. તેમાં મનરેગા 2024-25 ટેન્ડર પ્રક્રિયામાં મોડેલ ટેન્ડર અને નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાની સાથે જ મળતરિયાઓને આપવાની વાત સામે રોષ વ્યક્ત કર્યો હતો. પત્ર લખીને આ બધી બાબતો રોકવાની વાત કરી છે. આ સાથે જ સાંસદે કેટલાક ગંભીર આક્ષેપો પણ કર્યા છે.
આ બાબતે સાંસદે જણાવ્યું હતું કે, હાલ નેતાઓ પ્રજાની સેવા કરવાના બદલે કોન્ટ્રાક્ટના કામોમાં વધારે રસ લઈ રહ્યા છે. જેના કારણે કામોમાં પણ ગુણવત્તા જળવાતી નથી અને તેમાં સરકારનું ખરાબ દેખાય છે. મનરેગાના કામોમાં તમામ જિલ્લાઓમાં સરકાર દ્વારા આપેલી મોડેલ ટેન્ડર મુજબ ટેન્ડર બહાર પાડેલું છે. પરંતુ, કેટલાક જિલ્લાઓમાં નિયમોમાં ફેરફાર કરી છેડાછાડ કરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે, જે ખરેખર ખોટું છે.
સક્ષમ અને મનરેગામા કામ કરે છે તેવી અનુભવી એજન્સીઓના બદલે નેતાઓની અથવા તો તેમના નજીકનાઓની એજન્સીના ટેન્ડર મંજૂર થાય તે મુજબ અધિકારીઓ કામ કરી રહ્યા છે. નર્મદા જિલ્લામાં પણ આવી પરિસ્થિતિ સર્જાઈ રહી હોવાની ફરિયાદો મને મળી છે. મેં તપાસ કરતા વાત સાચી લાગી એટલે અધિકારીઓને વાત કરી છે. મુખ્યમંત્રીને પત્ર લખી જે તે જિલ્લામાં આવા ટેન્ડરો પાસ થાય તે બંધ થવા જોઈએ. આ બાબતની લેખિત રજૂઆત સરકાર તથા જિલ્લાના અધિકારીઓને કરી છે. સાથે ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલ અને રાજ્યકાસાના ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી હળપતિને પણ પત્ર લખ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખરેખર 3A ફોર્મ મટીરીયલ ખરીદીના BA હોવા જોઈએ અથવા તો મનરેગા હોવા જોઈએ અથવા ત્રણ વર્ષથી મનરેગાના કામ કરેલા હોવા જોઈએ. જેથી કામની ગુણવત્તા જણાય. કેટલીક એજન્સીઓએ 40થી 50 ટકા નીચા ભાવો ભરેલા છે. મટીરીયલના બજાર ભાવ કરતા ઓછા ભાવ ભર્યા છે. તેમાં કઈ રીતે ગુણવત્તા જળવાશે. જેથી મનરેગામાં ગરીબોને રોજગારી મળે અને કામોમાં ગુણવત્તા જળવાય તે મુજબ પારદર્શકવાળા કામો થાય તે જરૂરી બન્યું છે.
આવા નીચા ટેન્ડરો મનરેગાની અંદર ભ્રષ્ટાચાર કરવા ભરાતા હોય છે. નેતાઓ કોન્ટ્રાકટર બને એના કરતા સેવક બને, લોકોના કામો કરનાર બને એવું સાંસદ મનસુખ વસાવા હંમેશા કહેતા આવ્યા છે. તો નેતાઓએ આવામાં રસ લેવો જોઈએ ખરો, અધિકારીઓએ પણ પોતના પર છાંટા ઉડાડવા કરતા રાજ્ય સરકારના નિયમ મુજબ ટેન્ડર આપવો જોઈએ.




