નવસારી જિલ્લાના આરોગ્ય કર્મચારીઓની હડતાળ સંકેલાયા છતાં પગાર કપાતી કચવાટ

નવસારી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓએ પોતાની જૂની માંગોને લઈને હડતાળની કાર્યવાહી કરી હતી. આ દરમિયાન રેલી, ધરણા અને કેન્ડલ માર્ચ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કેટલાક કારણો અને મંત્રી દ્વારા સમજાવટના પગલે હડતાળ સંકેલીને કર્મચારીઓએ કામ શરૂ કર્યું હતું, પરંતુ હડતાળ દરમિયાનના પગાર કપાતને લઈને હવે કર્મચારીઓમાં અસંતોષ ફેલાયો છે.
નવસારી જિલ્લામાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ 21 દિવસ સુધી હડતાળ પર રહ્યા હતા, પરંતુ રાજ્યના આરોગ્ય મંત્રી દ્વારા સંગઠનના પ્રમુખને બે મહિનાની મહેતલ આપવામાં આવતા હડતાળ સંકેલવામાં આવી હતી. જોકે, હડતાળ દરમિયાનના દિવસો માટે કર્મચારીઓના પગારમાંથી કપાત કરવામાં આવી છે, જેના કારણે તેમને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે.
એક કર્મચારીએ નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું કે, “અમે જેટલા દિવસ હડતાળ પર હતા, તેટલા દિવસનો પગાર કપાઈ ગયો છે. આરોગ્ય કર્મચારીઓના લગભગ 22 હજાર રૂપિયા જેટલી રકમ કપાતમાં ગઈ છે, જે આર્થિક રીતે મોટું નુકસાન છે.”
વધુમાં, હડતાળ પછી કર્મચારીઓને 21 દિવસનું કામ માત્ર પાંચ દિવસમાં પૂરું કરવાની સૂચના મળી છે, જેના કારણે તેમણે સવાલ ઉઠાવ્યો છે કે “21 દિવસનું કામ પાંચ દિવસમાં કેવી રીતે થઈ શકે? અને આવા વધારે કામનું વળતર અમને ક્યારે મળશે?” આ બાબતે કર્મચારીઓએ ઉપરી અધિકારીઓ પાસે યોગ્ય કાર્યવાહી માટે અપીલ પણ કરી છે.
હડતાળ સમાપ્ત થયા છતાં પગાર કપાત અને વધારે કામના દબાણને કારણે આરોગ્ય કર્મચારીઓમાં રોષ વ્યાપી રહ્યો છે. તેમની માંગ છે કે સરકાર અને ઉપરી અધિકારીઓએ તેમની સમસ્યાઓનું ઝટપટ નિરાકરણ કરવું જોઈએ.





