ચૂંટણી બોન્ડ : સુપ્રીમ કોર્ટે SBIની અરજી ફગાવી કહ્યું, આવતી કાલે જ બોન્ડ અંગેની સંપૂર્ણ વિગતો રજૂ કરો
આ સાથે SBIને ખખડાવતાં કહ્યું : કોર્ટમાં હુકમ પછી 26 દિવસ સુધી શું કરતા હતા ? શાં પગલાં લીધાં ? તમારી અરજી તે અંગે તદ્દન મૌન જ છે

ચૂંટણી બોન્ડ અંગેની વિગતો ચૂંટણી પંચને રજૂ કરવા માટે એસ.બી.આઈ.એ માંગેલા વધુ સમય માટેની અરજી આજે (સોમવારે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી, અને તે વિગતો આવતીકાલે માર્ચની ૧૨મીએ કામકાજના સમય દરમિયાન ચૂંટણીપંચને આપી દેવા હુકમ કર્યો હતો. આ સાથે સર્વોચ્ચ અદાલતે ચૂંટણીપંચને તે વિગતો માર્ચ ૧૫ના સાંજના પાંચ વાગ્યા સુધીમાં તેની વેબસાઈટ ઉપર મુકવા પણ આદેશ આપ્યો હતો.
સર્વોચ્ચ અદાલતે સ્ટેટ બેન્ક ઓફ ઈંડીયાને ખખડાવી નાખતાં કહ્યું હતું કે અમે તમને માર્ચની ૬ઠ્ઠી તારીખ સુધીમાં જ તે વિગતો ચૂંટણી પંચને રજૂ કરવા જણાવ્યું હતું. તમે તે હુકમ પ્રમાણે કાર્યવાહી કરી નથી. વાસ્તવમાં તે કોર્ટની અવમાનના બરોબર છે સાથે પૂછ્યું હતું કે, ‘તો અત્યાર સુધી તમે શું કરતા હતા ?’
ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડ (ઈલેક્ટોરલ બોન્ડઝ) આપવા માટે એસ.બી.આઈ.એ તા. ૩૦મી જૂન સુધીના માંગેલા સમય અંગે સુપ્રીમ કોર્ટે નારાજગી દર્શાવતાં ફરી ભારપૂર્વક કહ્યું હતું કે તા. ૧૨મી માર્ચે કામકાજના સમય સુધીમાં તે બોન્ડની વિગતો ચૂંટણી પંચને રજૂ કરી દેવી. આ સાથે ઈલેકશન કમિશન ઓફ ઈંડીયા (ઈ.સી.આઈ.)ને આદેશ આપ્યો હતો કે તેણે માર્ચની ૧૫મી તારીખે સાંજના પાંચ વાગ્યા સુધીમાં તે બોન્ડઝ અંગેની વિગતો તેની સત્તાવાર વેબ સાઇટ ઉપર મુકી દેવી.
મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડનાં નેતૃત્વ નીચેના ન્યાયમૂર્તિઓ સર્વશ્રી સંજીવ ખન્ના, બી.આર. ગરવી, જે.બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની બનેલી પાંચ ન્યાયમૂર્તિઓની સંવૈધાનિક પીઠીકાએ એસ.બી.આઈ.ને પૂછ્યું હતું કે છેલ્લાં ૨૬ દિવસ સુધી તમે શું કરતા હતા ? તમે શાં પગલાં લીધાં ? તે બધા અંગે તમારી અરજી મૌન જ છે.
આ સાથે સર્વોચ્ચ અદાલતે કોર્ટના ચુકાદા પ્રમાણે એસ.બી.આઈ.ને સીધી અને સાદી સ્પષ્ટ વાત કહેવા આદેશ આપ્યો અને કહ્યું : ‘એસ.બી.આઈ.એ તો માત્ર સીલ્ડ-કવર જ ઉઘાડવાનું છે, અને વિગતો એકત્રિત કરી તે ચૂંટણીપંચને આપવાની છે.’
આ પૂર્વે સ્ટેટ બેન્ક ઓફ ઈંડીયાએ આ વિગતો પૂરી પાડવા માટે વધુ સમય માંગતા ૩૦મી જૂન સુધીનો સમય માગ્યો હતો. જેમાં દરેક ઈલેક્ટોરલ બોન્ડ તે યોજના જ (કોર્ટે) ખોટી ઠરાવ્યા પહેલાં કઈ કઈ પાર્ટીએ કેટલા બોન્ડ ખરીધ્યાં હતાં તેવી વિગતો રજૂ કરવા આટલો સમય માગ્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે તેનો સ્પષ્ટ ઈન્કાર કરતાં આવતીકાલે જ (તા. ૧૨મી અને મંગળવારે) તે વિગતો રજૂ કરવા એસ.બી.આઈ.ને હુકમ કર્યો છે.
દરમિયાન કોર્ટની અવમાનની કાર્યવાહી કરવા અંગેની એસ.બી.આઈ. વિરૂદ્ધ કરાયેલી અરજીની પણ સુનાવણી શરૂ થઈ ચૂકી છે.




