સુરત

સુરત કોર્ટમાં હવે લગ્નવિષયક તકરારોમાં કેસ દાખલ કર્યા વિના સુખદ સમાધાનની નિઃશુલ્ક વ્યવસ્થા

ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિશ્રી સુનિતા અગ્રવાલના હસ્તે સુરત કોર્ટમાં લગ્નવિષયક કાયમી પ્રિ-લિટીગેશન લોક અદાલતનું વર્ચ્યુલી ઉદ્દઘાટન

  • સુરત જિલ્લા કોર્ટ સહિત માંગરોળ, માંડવી, બારડોલી, ઓલપાડ, કઠોર તાલુકામાં મિડીએશન સેન્ટરનું વર્ચ્યુલી ઉદ્દઘાટન
  • કોર્ટ કેસ કર્યા વિના સમાધાનના માર્ગે લગ્નજીવન બચાવવાની સુવર્ણ તક

લગ્નવિષયક તકરારોમાં કેસ દાખલ કર્યા વિના સુખદ સમાધાનની નિઃશુલ્ક વ્યવસ્થા ઉભી થઈ શકે એવા ઉમદા આશય સાથે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુશ્રી સુનિતા અગ્રવાલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમગ્ર રાજ્યની કોર્ટ સહિત સુરત કોર્ટમાં રૂમ નં. ૭૦૧ ખાતે લગ્નવિષયક (મેટ્રોમોનિયલ) કાયમી પ્રિ-લિટીગેશન લોક અદાલત “ઉજાસ: એક આશાની કિરણ”નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું, સાથોસાથ સહિત માંગરોળ, માંડવી, બારડોલી, ઓલપાડ, કઠોર તાલુકા ખાતે મિડીએશન સેન્ટરનું વર્ચ્યુલી ઉદ્દઘાટન પણ કરાયું હતું. આ વ્યવસ્થાથી કોર્ટ કેસ કર્યા વિના દંપતિઓને સમાધાનના માર્ગે લગ્નજીવન બચાવવાની સુવર્ણ તક મળશે.

ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળ-અમદાવાદની અનુશ્રામાં તેમજ સુરતના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, સુરતના અધ્યક્ષશ્રીના માર્ગદર્શન હેઠળ અઠવાલાઈન્સ સ્થિત કોર્ટમાં સાતમાં માળે શરૂ થયેલા સેન્ટરમાં સુરતની ફેમિલી કોર્ટના જજ તેમજ અન્ય એક મિડીએટર લગ્નજીવનની તકરારોને શાંતિપૂર્વક સાંભળશે તેમજ કાયદા અનુસાર તેઓની તકરારોનું નિઃશુલ્ક અને સુખદ સમાધાન થાય તેવા પ્રયત્નો કરશે.

નોંધનીય છે કે, હાલ સમાજમાં દાંપત્યજીવનની તકરારોમાં વધારો થતો જાય છે, અને હસતા રમતા અનેક પરિવારો વિભક્ત થતા જાય છે, જેના કારણે બાળકો, વડીલો સહિત દંપતિઓનું ભવિષ્ય ધુંધળુ બને છે. સુખી સંપન્ન પરિવાર વર્ષો સુધી વિખવાદમાં રહે છે. પરિવારમાં એક સામાન્ય સમસ્યાનો ત્વરિત ઉકેલ મળી જાય તો સંપૂર્ણ પરિવાર વિખુટો થતા બચી શકે છે. તા.૧૯ એપ્રિલથી કાયમી પ્રિ-લિટીગેશન લોક અદાલતથી કોર્ટમાં કેસ દાખલ કરતા પહેલા તકરારોનું સુખદ સમાધાન શક્ય  બનશે. આ પ્રક્રિયા તદ્દન નિઃશુલ્ક છે, આથી બંને પક્ષકારોના નાણાનો પણ બચાવ થશે એમ સુરત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ સી.આર. મોદીની યાદીમાં જણાવાયું છે.

Related Articles

Back to top button