સુરત જિલ્લા તલાટી મંડળે મનસ્વી ફતવો બહાર પાડતા પ્રજાના કામો અટવાઈ રહ્યા છે
12 જેટલા પ્રમાણપત્રો અને રોજકામ બંધ કર્યા

સુરત જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા 12 જેટલા પ્રમાણપત્રો અને દાખલા ન આપવા અંગે ફતવો બહાર પાડવામાં આવ્યો છે. જેને કારણે જિલ્લાના અનેક અરજદારોના કામ દાખલા વગર અટવાઈ રહ્યા છે. સરકારની જોગવાઈ સિવાયના મનસ્વી ફોર્મેટમાં તૈયાર કરેલા દાખલા અને રોજકામ બંધ કરવાના નિર્ણયથી તલાટી મંડળે પ્રજાને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હોવાની બૂમરાડ ઉઠી રહી છે અને તંત્ર દ્વારા કોઈ અન્ય વ્યવસ્થા ન કરાતા લોકોને ભારે હાલાકી થઈ રહી છે.
સુરત જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના હોદ્દેદારો ગત 20-4-2023ના રોજ જિલ્લાના ગામડાઓમાં કામ કરતાં તલાટી કમ મંત્રીઓ માટે ફતવો બહાર પાડી પ્રજા અને તલાટીઓ વચ્ચે સંઘર્ષ થાય તેવી સ્થિતિ ઊભી કરી છે. આ ફતવા મુજબ સુરત જિલ્લામાં ફરજ બજાવતા તમામ તલાટી કમ મંત્રીઓએ સમગ્ર જિલ્લામાં એકસૂત્રતા જળવાઈ રહે તે હેતુથી સરકારની જોગવાઈ સિવાયના અને મનસ્વી ફોર્મેટમાં તૈયાર કરેલ દાખલાઓ 20/4/2023ના રોજથી ગ્રામ્ય કક્ષાએ આપવાના બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. મંડળના આદેશને કારણે ગામડાઓમાં 12 જેટલા પ્રમાણપત્ર અને રોજકામ કરવાનું તલાટીઓએ બંધ કરી દીધું છે.
જેની સીધી અસર ગ્રામ્ય વિસ્તારની ગરીબ અને જરૂરતમંદ લોકો પર પડી રહી છે. આવાસ માટે જરૂરી દાખલા, વીજ કનેક્શન માટે જરૂરી પ્રમાણપત્ર, ખેડૂતનું પ્રમાણપત્ર, જન્મ-મરણનું રોજકામ વ્યવસાયનું પ્રમાણપત્ર સહિત 12 જેટલા કામો ન થતાં લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. આ અંગે કેટલાક ગામોના લોકોએ તંત્રને રજૂઆત પણ કરી હોવાનું જાણવા મળે છે જો કે તેમ છતાં તલાટી મંડળના આ ફતવા સામે કોઈ કાર્યવાહી થઈ નથી.
આવો ફતવો બહાર પાડવાનો અધિકાર ખરો તેની ચર્ચા
તલાટી કમ મંત્રી મંડળ આવો ફતવો બહાર પાડવાનો અધિકારી છે ખરો? તે અંગે પણ ચર્ચાએ જોર પકડ્યું છે. મંડળે જે પ્રમાણપત્રો કે રોજકામ કરવાનું ના કહે છે તેમાં મોટા ભાગના પ્રમાણપત્રો અને રોજકામ સરકારી યોજનામાં જરૂરિયાત ઊભી થતી હોય છે. ત્યારે તલાટી મંડળ મનસ્વી રીતે આવો ફતવો બહાર પાડી પ્રજાની હાલાકી વધારી રહ્યું છે. એક તરફ સરકાર દ્વારા સેવા સેતુના હુલામણા નામ હેઠળ વિવિધ સેવાઓ ઘર આંગણે જ પૂરી પાડવાની વાતો કરે છે અને બીજી તરફ સરકારના જ કર્મચારીઓ ગામમાં ઉપલબ્ધ સેવાઓ બંધ કરવાનો ફતવો બહાર પાડ્યો છે જે કેટલા અંશે યોગ્ય કહી શકાય?
બારડોલી ટીડીઓને રજૂઆત
આ અંગે જીતેન્દ્ર ચૌધરી નામના એક અરજદારે જણાવ્યુ હતું કે, તલાટીઓ 12 જાતના દાખલા કાઢી આપવાનું ના કહે છે. વર્ષોથી આવા દાખલાઓ ગ્રામ્ય કક્ષાએ તલાટી જ કાઢી આપતા હતા. સરકારી યોજનામાં જ આવા દાખલાઓની જરૂર પડતી હોય છે ત્યારે આમાં અમારો શું વાંક? તલાટીઓ પ્રજાને બાનમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ અંગે બારડોલી તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે તેમણે તપાસ કરવાની ખાતરી આપી છે.
આ દાખલાઓ બંધ કર્યા
{ રહેવાસીનો દાખલો { ચતુર્સીમાનો દાખલો { વીજ જોડાણ એનઓસી { ગાય-ભેંસના હેરાફેરીનો દાખલો { વેલ્યુએશન સર્ટિફિકેટ { હયાતીનો દાખલો { ખેડૂતનું પ્રમાણપત્ર { જન્મ કે મરણ { વ્યવસાયનું પ્રમાણપત્ર { મનરેગા યોજનાનું રોજકામ
આ કામ તલાટીએ જ કરવાના હોય સૂચના અપાશે
ગ્રામ્ય કક્ષાએ નીકળતા દાખલાઓ તલાટીઓએ જ કાઢી આપવાના હોય જેથી લોકોને પોતાના કામોમાં સરળતા રહે ફરી દાખલા ગ્રામપંચાયત પરથી જ મળી શકે એ બાબતે તલાટીઓને સૂચના આપવામાં આવશે. > બી. કે. વસાવા જિલ્લા વિકાસ અધિકારી સુરત




