માંડવીમાં અરેઠના વિસ્તારમાં ખેતરોમાંથી મોટી સંખ્યામાં પાણીની મોટરો અને વાયરો ચોરાતા ખેડૂતોને નુકસાની
મહિના પહેલા અરેઠની પાસે આવેલ પાતલ ગામની આજુબાજુના ખેતરોમાંથી 1,50,000ની મોટર અને વાયરોની ચોરી થઈ હતી

માંડવીમાં વરસાદના પગલે મોટાપાયે ડાંગર સોયાબીનના પાકનું નુકસાન ખેડૂતોએ વેઠવાનો વારો આવ્યો છે, જેમાં મોટા ભાગે ગામોમાં સર્વેનું કામ ચાલી રહ્યું છે. એક બાજુ ખેડૂતો આર્થિક નુકસાન વેઠી રહ્યા છે. બીજી બાજુ ખેડૂતોના મોટરના વાયરો તેમજ મોટર ચોરીની ઘટના થંભી રહી નથી જેના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. વધુ નુકસાન વેઠવાની નોબત સામે આવી છે.
પ્રશ્નો ઘણા ઉદ્દભવે છે; આટલા સમયથી ચોરી થઈ રહેલ છે, પરંતુ પોલીસ તંત્ર કેમ ઊંઘમાં જોવા મળે છે? કેમ આજ સુધી ચોરો પકડાતા નથી? શું વારંવાર થતી ચોરીઓની ફરિયાદો પોલીસ સુધી પોહાચી છે? કે પછી આવું તો નથી ને, ‘વાડ જ ચિભડું ગળે’- જોઈએ હવે ખેડૂતોનું કોણ સાંભળે છે!
હાલમાં ચોરોનો આતંક પણ બમણો થઈ રહ્યો છે. અગાઉ થોડા મહિના પહેલા વાયર ચોરીની ઘટના સામે આવી હતી. હાલમાં જ અરેઠ અને વદેશિયા વિસ્તારમાંથી હજારોના વાયરો ચોરી થયાની ઘટના સામે આવી છે. ચોરોનો કોઈ અતો પતો નથી. તેમજ નજીકમાં જ ચોરી કરેલા વાયરને સળગાવીને કોપર વાયરને કાઢીને ચોરો ફરાર થઈ ગયા હતા. જેના પગલે ચોરીની ઘટના અંકુશ લાવવા માટે ખેડુતો માંગ કરી રહ્યા છે તંત્ર યોગ્ય કાર્યવાહી કરીને ચોરોને પકડીને ખેડૂતોને થતાં નુકસાનને અટકાવી સહા રો બને તેવી માંગ કરી રહ્યા છે.




