સાગબારાથી પાટ સુધીનો 5 કિમીનો રસ્તો રિપેરિંગ કરવામાં 5 વર્ષથી તંત્ર દ્વારા લોકોને હાથતાળી

સાગબારાથી પાટ જતો રસ્તો છેલ્લા પાંચ વર્ષથી બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકો હાલાકી ભોગવી રહયાં છે. વહીવટી તંત્ર તથા સ્થાનિક પ્રતિનિધિઓની આળસના લીધે રસ્તો બનતો નહિ હોવાનો આક્ષેપ વાહનચાલકો કરી રહયાં છે. સાગબારા થી પાટ ગામને જોડતો રસ્તો માંડ 5 કિમીનો છે છતાં છેલ્લા કેટલાક વર્ષોથી રસ્તો બિસ્માર બનતાવાહન ચાલકો સહિત રાહદારીઓએ ભારે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે છતાં તંત્રની આંખ ઉઘડતી નથી.પાટ રોડ ઉપર સાગબારા નગર પ્રાથમિક શાળા, જે. કે હાઈસ્કૂલ, આદર્શ નિવાસી કન્યા શાળા, ભાવરીસાવર આશ્રમ શાળા આવેલી છે.
આ ઉપરાંત ડીજીવીસીએલ ની કચેરી અને સબ સ્ટેશન આવેલ છે. મુખ્ય માર્ગ હોવાથી રોજના સેંકડો લોકો અને વિદ્યાર્થીઓની અવરજવર રહેતી હોય છે. સાગબારા તાલુકા મથક હોવા છતાં તેને જોડતા ગામોના રસ્તાઓની ખસતા હાલત છે.કહેવાય છે કે વર્ષો પહેલા બન્યો હતો જેને બાદમાં રીપેરીંગ પણ કરવામાં આવ્યું નથી.
જ્યારે કે આ રસ્તે સાગબારા તાલુકાના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ તેમજ રાજકીય પાર્ટીઓના નેતાઓ રોજબરોજના સાગબારા ખાતે કચેરીઓમાં પોતાના કામ કરાવવા માટે આવતા જતા હોય છે.તો શું તેઓને આ રસ્તાની હાલત નજરે પડતી નથી ? પાંચ વર્ષ અગાઉ આ રસ્તો બન્યો જેમાં ત્યારબાદ ન તો સમારકામ કર્યું ન તો નવીનીકરણ કરવામાં આવ્યું. જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ખુબજ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો છે. લોકો હવે આંદોલનની તૈયારી કરી રહયાં છે.




