સુરત જિલ્લા એન્ટિ કરપ્શન બ્યૂરોની ટીમે માંડવીના વદેશીયા ગ્રામ પંચાયતના વહીવટદારને 35 હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથ પકડી પાડ્યો

સુરત જિલ્લા એન્ટિ કરપ્શન બ્યૂરોની ટીમે માંડવી તાલુકાના વદેશીયા ગામના વહીવટદારને 35 હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથ પકડી પાડ્યો હતો. સુરત જિલ્લાની વદેશીયા ગ્રામ પંચાયતના વહીવટદાર અને ફળી ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા સંજયભાઇ પોપટભાઇ પટેલને એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ રૂ. 35,000ની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડ્યો છે.
સીધા સવાલ
- વહીવટદાર ક્યાં કામ માટે કમિશન લેતા હતા? તે તપાસ થવું જરૂરી બની રહેશે.
- જો માળખાગત સુવિધાના કામો હશે તો, તે કામોની ગુણવત્તા પર નજર રાખવી અનિવાર્ય રહેશે?
આરોપી વહીવટદારે એક જાગૃત નાગરિક પાસેથી ગ્રામ પંચાયતના કામોના કમિશન પેટે 42500 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. પ્રથમ 35 હજાર રૂપિયા આપવાનું નક્કી થયું હતું. જો કે લાંચ આપવા માગતા ન હોય પીડિત નાગરિકે આ બાબતે એસીબીને જાણ કરતાં એક છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આરોપીએ 35000 હજારની રકમ સ્વીકારતાં જ એસીબીની ટીમે તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અગાઉ ગત મહિને કરંજ ગામના તલાટી અને કોમ્પ્યુટર ઓપરેટર 3500ની લાંચ લેતા ઝડપાયા હતા.




