
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને ત્રણ યુદ્ધ જહાજો INS સુરત (ડિસ્ટ્રોયર), INS નીલગીરી (સ્ટીલ્થ ફ્રિગેટ) અને INS વાઘશીર (સબમરીન) સમર્પિત કર્યા. આ ત્રણ અતિ આધુનિક યુદ્ધ જહાજોથી ભારતીય નૌકાદળની તાકાત વધુ વધશે. મોદી મુંબઈના નેવલ ડોકયાર્ડમાં નેવી અધિકારીઓને મળ્યા અને યુદ્ધ જહાજ વિશે વાત કરી હતી.
મોદીએ કહ્યું કે 15 જાન્યુઆરીને આર્મી ડે તરીકે પણ ઉજવવામાં આવે છે. આજનો દિવસ ભારતના મેરીટાઇમ હેરિટેજ નેવીના ગૌરવશાળી ઈતિહાસ માટે અને આત્મનિર્ભર ભારત અભિયાન માટે પણ મહત્વનો દિવસ છે.
છત્રપતિ શિવાજી મહારાજે નૌકાદળને નવી તાકાત અને નવી દ્રષ્ટિ આપી હતી. આજે, અમે તેમની આ પવિત્ર ભૂમિ પર 21મી સદીના નૌકાદળને મજબૂત કરવાની દિશામાં એક મોટું પગલું ભરી રહ્યા છીએ. આ પહેલીવાર છે જ્યારે ડિસ્ટ્રોયર, ફ્રિગેટ અને સબમરીન એકસાથે કાર્યરત થઈ રહી છે. આ આ ત્રણેય મેડ ઇન ઈન્ડિયા છે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ભારત વિસ્તરણવાદ પર નહીં, પરંતુ વિકાસની ભાવના પર કામ કરે છે. ખરેખરમાં આ ચીનને સીધો સંદેશ છે, જે એશિયા-પેસિફિક ક્ષેત્ર પર નજર રાખી રહ્યું છે.
ભારત મેરીટાઈમ પાવર બની રહ્યું છે
આ વાત આજે લોન્ચ કરવામાં આવેલા પ્લેટફોર્મમાં પણ જોવા મળે છે. નીલગીરી ચોલ વંશના દરિયાઈ પરાક્રમને સમર્પિત છે. સુરત યુદ્ધ જહાજ એ સમયની યાદ અપાવે છે જ્યારે ગુજરાતને બંદર દ્વારા પશ્ચિમ એશિયા સાથે જોડાયું હતું. આજે વાઘશીર સબમરીન પણ કાર્યરત થઈ રહી છે. થોડા વર્ષો પહેલા, મને P-75 વર્ગની પ્રથમ સબમરીન સમર્પિત કરવાની તક મળી. આજે મેં આ વર્ગની છઠ્ઠી સબમરીન સમર્પિત કરી છે.
અમે સમગ્ર વિશ્વને એક પરિવાર તરીકે માનીએ છીએ
ભારત વિકાસની ભાવનાથી કામ કરે છે, વિસ્તરણવાદની નહીં. ખુલ્લા, સુરક્ષિત, સમાવિષ્ટ ઇન્ડો પેસિફિક પ્રદેશને સપોર્ટ કરે છે. જ્યારે સમુદ્રની સરહદે આવેલા દેશોના વિકાસની વાત આવે છે, ત્યારે ભારતે મંત્ર આપ્યો સાગર- સિક્યોરિટી એન્ડ ગ્રોછ ફોર ઓલ ધ રીઝન. G-20 માં કહ્યું કે એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય. કોરોના સમયે કહેવાયું હતું કે વન વર્લ્ડ, વન હેલ્થ. આખી દુનિયાને આપણે આપણો પરિવાર માનીએ છીએ.
ભારત પર વિશ્વનો વિશ્વાસ વધ્યો છે
અમારી નેવીએ છેલ્લા કેટલાક મહિનામાં સેંકડો લોકોના જીવ બચાવ્યા છે. હજારો કરોડ રૂપિયાના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્ગોનું રક્ષણ કર્યું છે. ભારત પર વિશ્વનો વિશ્વાસ વધ્યો છે. ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડમાં વિશ્વાસ સતત વધી રહ્યો છે. આસિયાન હોય, ઓસ્ટ્રેલિયા હોય, ખાડી હોય કે આફ્રિકન દેશો હોય, આજે ભારતનો આર્થિક સહયોગ તમામ સાથે સતત મજબૂત થઈ રહ્યો છે.
મેક ઇન ઇન્ડિયાના મંત્ર હેઠળ કામ કરી રહ્યા
દેશની સૌથી મોટી હેલિકોપ્ટર મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી કર્ણાટકમાં શરૂ થઈ. યુપી-તામિલનાડુમાં બની રહેલા ડિફેન્સ કોરિડોરને વધુ વેગ મળશે. નેવીએ મેક ઈન ઈન્ડિયા અભિયાનનો પણ વિસ્તાર કર્યો છે. મઝાગોન ડોક યાર્ડના આપ સાથીઓની ભૂમિકા છે. 10 વર્ષમાં 33 જહાજ અને 7 સબમરીન નેવીમાં સામેલ કરવામાં આવી. તેમાંથી 39 ભારતીય શિપયાર્ડમાં જ બનેલ છે.
અમારી સેનાઓએ આવા 5 હજારથી વધુ સાધનોની યાદી તૈયાર કરી છે, જે હવે તેઓ વિદેશથી આયાત નહીં કરે. જ્યારે ભારતીય સૈનિક ભારતીય સાધનો સાથે આગળ વધે છે ત્યારે આત્મવિશ્વાસ પણ કંઈક અલગ જ હોય છે.
પીએમ મોદીએ કહ્યું- આપણી આત્મનિર્ભરતા વધુ મજબૂત થશે
પીએમ મોદીએ મંગળવારે X પોસ્ટમાં કહ્યું, ’15 જાન્યુઆરી આપણી નૌકાદળ ક્ષમતાઓ માટે ખાસ દિવસ છે. ત્રણ ફ્રન્ટલાઈન નૌકાદળના યુદ્ધ જહાજોને સામેલ કરવાથી સંરક્ષણ ક્ષેત્રે ગ્લોબલ લીડર બનવાના અમારા પ્રયત્નોને મજબૂત બનાવશે અને આત્મનિર્ભરતા તરફની અમારી શોધને વધુ બળ મળશે.”
INS નીલગિરી (સ્ટીલ્થ ફ્રિગેટ)
- P17A સ્ટીલ્થ ફ્રિગેટ પ્રોજેક્ટનું આ પ્રથમ જહાજ છે.
- આ ડિઝાઇન ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા તૈયાર કરવામાં આવી છે.
- આમાં એડવાન્સ સર્વાઈબિલિટી, સી-કીપિંગનો સમાવેશ છે.
- આ સ્વદેશી ફ્રિગેટ્સની નેક્સ્ટ જનરેશનનું પ્રતીક છે.
- તેમાં સ્ટીલ્થ ટેકનોલોજી અને લાંબા સમય સુધી દરિયામાં રહેવાની ક્ષમતા છે.
- ચેતક, એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર, MH-60R હેલિકોપ્ટરનું ઓપરેશન કરી શકે છે.
- તેમાં એડવાન્સ સેન્સર અને વેપન સિસ્ટમ છે.
INS સુરત (ડિસ્ટ્રોયર)
- P15B ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર પ્રોજેક્ટનું આ ચોથું અને અંતિમ જહાજ છે.
- તે વિશ્વના સૌથી મોટા અને સૌથી પ્રભાવશાળી વિનાશકારી જહાજોમાથી એક છે. તેમાં 75% સ્વદેશી સામગ્રી છે.
- તે એડવાન્સ નેટવર્ક અને એડવાન્સ વેપન સેન્સર પેકેજથી સજ્જ છે.
INS વાઘશીર (સબમરીન)
- P75 સ્કોર્પીન પ્રોજેક્ટ કલવરી ક્લાસની છઠ્ઠી અને છેલ્લી સબમરીન છે.
- તેને બનાવવામાં ફ્રેન્ચ નેવી ગ્રુપની મદદ લેવામાં આવી છે.
- વિશ્વની સૌથી શાંત અને વર્સેટાઈલ ડીઝલ-ઇલેક્ટ્રિક સબમરીનમાંથી એક છે.
- તે એન્ટી-સરફેસ વોર, એન્ટી સબમરીન વોર, વાયર-ગાઈડેડ ટોર્પિડોઝ, એન્ટી શિપ મિસાઈલથી પણ સજ્જ છે.