વાગરા તાલુકાના વિલાયત ગામ પાસે હાઇવા ટ્રકની ટક્કરે બાઇક સવાર સુપરવાઇઝરનું કરૂણ મોત
મૃતક સુરતના માંડવીનો રહેવાસી, ડ્રાઇવર વાહન મૂકી સ્થળ પરથી નાસી છૂટ્યો

વાગરા તાલુકામાં આવેલી વિલાયત જીઆઇડીસી વિસ્તારમાં આવેલી ભુત બંગાલાવાળી ચોકડી પાસે હાઇવા ચાલકે એક બાઇકને ટક્કર મારતાં કોન્ટ્રાક્ટના સુપર વાઇઝરનું ગંભીર ઇજાઓને કારણે મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે વાગરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ભરૂચના સિદ્ધનાથ નગર ખાતે રહેતાં હેમાંગ રમેશ મહેતા વિલાયત જીઆઇડીસીની જ્યુબિલીયન્ટ કંપનીમાં એ.આર. કોર્પોરેટ નામથી છ મહિનાથી કોન્ટ્રાક્ટ ચલાવે છે.
તેમના કોન્ટ્રાક્ટના સુપરવાઇઝર તરીકે સુરત માંડવીના અર્જૂન ચુનીલાલ ચૌધરી ફરજ બજાવતાં હતાં. મંગળવારે હેમાંગ મહેતાં કંપની પર કોઇ કામ અર્થે ગયાં હતાં. ત્યારે તેમને જાણ થઇ હતી કે, તેમના સુપર વાઇઝરનું અકસ્માત થયું છે. જેથી તેઓ તુરંત સ્થળ પર પહોંચતાં વિલાયત જીઆઇડીસીની ભુત બંગલાવાળી ચોકડી પાસે એક હાઇવા ટ્રક સાથે તેમના સુપરવાઇઝર અર્જૂન ચૌધરીની બાઇકને અકસ્માત થયાનું માલુમ પડ્યું હતું. ટ્રકના ટાયર ફરી વળતાં તેમનો કમરથી નીચેના ભાગમાં ગંભીર ઇજાઓ થઇ હતી. અકસ્માત સર્જનાર હાઇવા ચાલક તેનું વાહન મુકી નાસી છુટ્યો હતો. બનાવ સંદર્ભે વાગરા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




