નવસારી શહેરના ડાયમંડ સર્કલનો ‘ડાયમંડ’ જમીનદોસ્ત

વિશ્વમાં 90% હીરા પોલિસીંગ એન્ડ કટીંગ દક્ષિણ ગુજરાતના સુરતમાં થાય છે. પરંતુ વર્ષો અગાઉ સૌથી પહેલા હીરા પોલીસ એન્ડ કટીંગની શરૂઆત નવસારી જિલ્લાથી થઈ હતી.સમયાંતરે આ વ્યવસાય સુરત સ્થળાંતરિત થયો હતો, નવસારીની ઓળખ હજી પણ ડાયમંડથી થઈ રહી છે, આ જ ઓળખને વધુ મજબૂત કરવા માટે આશરે 15 વર્ષ અગાઉ ડાયમંડ મર્ચન્ટ એસોસિએશન દ્વારા સ્ટેશન વિસ્તારમાં આવેલા સર્કલ ઉપર હીરાનું એક સ્મારક બનાવી સર્કલ ઉપર જડ્યું હતું. આ સર્કલના રખરખાવની જવાબદારી પાલિકાના માથે હોવાથી પાલિકાની બેદરકારીથી આ હીરો તૂટીને નીચે પડતા સર્કલ દયનીય સ્થિતિમાં પહોંચ્યું છે.સાથેજ આ સર્કલની ફરતે ભિક્ષુકો તેમજ નશો કરતા તત્વો પણ અડ્ડો જમાવીને બેઠા હોય તેવી ચર્ચા છે.
દરેક શહેર પોતાની આગવી ઓળખ ધરાવે છે, અને આ જ ઓળખ ને મજબૂત કરવા માટે સર્કલ ઉપર જે તે શહેરના વ્યવસાયને પ્રસ્થાપિત કરતા સ્મારક જડવામાં આવે છે. નવસારી શહેરમાં પોલકી હીરાનું પોલીસ એન્ડ કટીંગ વર્ષોથી થતું આવ્યું છે.આ જ ચળકતા વ્યવસાયને નવસારીની ઓળખ બનાવવા આશરે 15 વર્ષ અગાઉ ડાયમંડ મર્ચંન્ટ એસો. દ્વારા નવસારી શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલા સર્કલ ઉપર ડાયમંડ બનાવીને શહેરની નવી ઓળખ આપી હતી. પરંતુ આ સર્કલના રખરખાવ બાબતે પાલિકાએ ઉદાસીનતા ભર્યું વલણ દાખવતા સર્કલ સામાજિક તત્વો માટે અડ્ડો બન્યો છે. ચર્ચા છે કે આ સરકારની આજુબાજુ અનેક પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ વર્ષોથી ધમધમી રહે છે જે અંગે પાલિકા તેમજ પોલીસનું પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું પરંતુ આ અંગે આજ દિન સુધી કોઈ કાર્યવાહી નઈ થઈ હોવાની હૈયા વરાળ ડાયમંડ એસોસિયેશનના સભ્યોએ ઠાલવી છે.
નવસારી ડાયમંડ મર્ચન્ટ એસોસિએશનના મંત્રી કમલેશ માલાણી જણાવે છે કે અમે 15 વર્ષ અગાઉ સ્ટેશન વિસ્તારમાં સર્કલ ઉપર ડાયમંડ મોન્યુમેન્ટ બનાવી શહેરની ઓળખ પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો હતો. જે તે સમયે આ સર્કલ ની જવાબદારી પાલિકાને સોંપવામાં આવી હતી. પરંતુ વર્ષોથી આ સર્કલ બાબતે પાલિકા ઉદાસીનભર્યું વલણ અપનાવી રહી છે. આ સર્કલના રખરખાવને લઈને સમયાંતરે પાલિકાને મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવામાં આવી છે પરંતુ એ અંગે પાલિકા કોઈ સકારાત્મક પગલાં ભરતી નથી.
નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખ મીનલ દેસાઈને આ અંગે કહેતા તેમણે કહ્યું કે મને પહેલી વખત તમારો કોલ આવ્યો ત્યારે ખબર પડી આ અંગે હું સંબંધિત વિભાગ પાસેથી માહિતી લઈ લઉં છું મને આ સર્કલના દયનીય સ્થિતીને લઈને કોઈ જ માહિતી નથી.




