
સુરત જિલ્લા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં સુમુલ ડેરીમાં ચાલતાં વિખવાદના પડઘા પડ્યા છે. અહીં પણ નરેશ પટેલે તેમના વિરોધી વિરુદ્ધ જઈ ભાજપ સર્મથીત અશેષ ભક્તાની સામે ઉમેદવાર ઉતારતાં સહકારી આલમમાં ચરચાક મચી ગઈ છે. જેને પગલે આગામી દિવસોમાં ભાજપમાં પણ ઘેર પડઘા પડવાની શક્યતા છે.
સુમુલ ડેરીની બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગમાં મહુવા સુગરને 10 કરોડ રૂપિયા ચૂકવવા બાબતે ઊભા થયેલા વિવાદ બાદ વ્યારા સુગરના તત્કાલિન ઉપપ્રમુખ નરેશ પટેલે વિરોધ નોંધાવતાં ઊભા થયેલા ઘમાસાણમાં જિલ્લા ભાજપ દ્વારા નરેશ પટેલને સુમુલ અને ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંકના ડિરેક્ટર પદેથી રાજીનામું આપવાની જામ કર્યા બાદ સહકારી અને રાજકીય માહોલ ગરમાયો હતો. આ વિવાદના પડઘા હાલમાં સુરત જિલ્લા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં જોવા મળી રહ્યાં છે.
હાલમાં ભાજપ દ્વારા વર્તમાન ચેરમેન રમણલાલ અંબેલાલ પટેલની આગેવાની હેઠળ પેનલ જાહેર કરાઇ છે. જેમાં ચોર્યાસીના ધારાસભ્ય સંદીપદેસાઈ અને ઓલપાડના ધારાસભ્ય અને મંત્રી મુકેશ પટેલનું પણ સમર્થન છે. આ પેનલ દ્વારા વાલોડ બેઠક ઉપર સુરત ડિસ્ટ્રીક્ટ બેંકના માજીચેરમેન દિલીપ ભક્તના પુત્ર અને હાલ વાલોડ એપીએમસીના ચેરમેન અશેષ ભક્તાએ ઉમદેવારી નોંધાવી છે. જેમને ભાજપનો પુરેપુરુ સમર્થન છે. હવે અહીં તેની સામે નરેશ પટેલે બળવો કર્યો છે. પોતે નહીં પરંતુ તેમના સમર્થનથી વાલોડ બેઠક ઉપર હથુકાના સંદીપ પટેલને સમર્થન આપી ઉમદેવારી કરાવી છે.
આ સમયે ઉદય દેસાઈ ઉપરાંત મઢી સુગરના ઉપપ્રમુખ અલ્પેશ પટેલ સહિત વર્તમાન ધારાસભ્યના પુત્ર દિગેન્દ્ર ઢોડિયા ઉપસ્થિત રહ્યા હતાં. તો સમે પક્ષે અશેષ ભક્તની ઉમેદવારી સમયે વાલોડ તાલુકાના ભાજપ સંગઠનના આગેવાનો હાજર રહ્યા ન હતાં. હવે આ વિવાદ ઊભો થતાં આગામી દિવસોમાં ભાજપમાં ઘેરા પ્રત્યાઘાત પડવાની શક્યતા છે.
બારડોલી મંડળી પ્રતિનિધીમાંથી ભીખાભાઈ ઝવેરભાઈ પટેલ, પલસાણામાંથી કમલેશભાઈ દોલતભાઈ નાયક વ્યારા બેઠક ઉપર રતિલાલ છગનભાઈ ગામીત જ્યારે સુરત શહેરમાંથી વ્યક્તિ પ્રતિનિધિમાં પરેશભાઈ મનસુખભાઈ પટેલે ઉમદેવારી કરી છે. કહેવાય છે કે આ તમામ ઉમેદવારો ભાજપ સમર્થિત પેનલના છે. માત્ર વાલોડ બેઠક ઉપર સંદીપ પટેલ અને અશેષ ભક્તાએ સામસામે ઉમેદવારી નોંધાવી છે.
થોડા સમય અગાઉ નરેશ પટેલે સુમુલડેરીના વિવાદ બાદ મીડિયા સમક્ષ પોતાનું નિવેદનમાં જે તે સમયે તેમણે દિલીપ ભક્તને પોતાના આદર્શ ગણ્યા હતાં, અને મોટી વાત કરી હતી. હવે અગાઉની જેમ હાલમાં નરેશ પટેલે દિલીપ ભક્તના પુત્ર અશેષ ભક્તની સામે ઉમેદવાર ઊભો કરતા સુમુલનો વિવાદ આ ચૂંટણીમાં નજરે પડવાની શક્યતા છે.




