પડતર પ્રશ્નોની ચર્ચા વિના જ વાલોડની ગ્રામ સભામાં કર્મચારીઓ ઉભા થઇ ગયા

વાલોડ ગ્રામપંચાયતના હોલમાં ગ્રામ સભામાં ગૌચર નીમ, પાણીની પાઇપલાઈન, નાણાંપંચના કામો, જીપિડીપી ના કામો, બિન મંજૂરીએ બાંધકામ જેવા વિવિધ પ્રશ્નો અંગે ગરમા ગરમ ચર્ચાઓ થઇ હતી. વાલોડ ગ્રામપંચાયત કચેરીમાં આજરોજ ગ્રામ પંચાયતના સરપંચ તથા પાણી પુરવઠાના અધિકારીઓની હાજરીમાં ગ્રામસભાનું આયોજન થયુ હતુ. જેમાં એજન્ડાના કામોમાં વિકાસના કામોની ચર્ચા અને 2024-25 ના નાણાપંચના આયોજનને બહાલી આપવા બાબત, જીપીડીપી પ્લાન અંતર્ગત આયોજન કરવા બાબત, વિવિધ ખાતાઓ તરફથી યોજનાની જાણકારી આપવા , મનરેગા અંગે ચર્ચા કરવા , પ્રધાનમંત્રી આવાસ યોજના , સ્વચ્છ ભારત મિશન અંગે ચર્ચા કરવા બાબત, નલ સે જલ યોજના , ઈ ગ્રામ અંતર્ગત મળતી સુવિધા બાબત, ગામના પડતર પ્રશ્નોની ચર્ચા કરવા ગ્રામસભાનું આયોજન થયુ હતું.
ગ્રામ પંચાયતમાં 126 લોકોને પ્લોટ ફાળવણી અંગે ચર્ચા કરી હતી, જેમાં સરકારી જમીનો ખાલી ન હોય પ્લોટની ફાળવણી ક્યાં થશે તે બાબતે પ્રશ્ન પૂછતા ગૌચર નીમ કરવાની જાણકારી આપી હતી. દરમિયાન એક નાગરિક દ્વારા ગૌચરની માં પાણી તથા લાઈટની સુવિધાઓ કોના કહેવાથી અપાય છે તે અંગેના પ્રશ્નો થયા હતા. હિદાયત નગરમાં પાણીના ભરાવા અંગે, ચેકડેમ કોઝવેની મરામત કરવા , વિકાસના કામો બાબતે, નગરમાં નવી પાણીની પાઇપલાઈન, નાણાંપંચના કામો, બિનમંજૂરીએ બાંધકામ જેવા વિવિધ પ્રશ્નો ચર્ચાયા હતા. પાણી પુરવઠા વિભાગ તથા સરકાર દ્વારા 9 કરોડની કામગીરી ક્યારે શરૂ થશે તે બાબતે ચર્ચા થઇ હતી. એજન્ડાના પ્રથમ ચાર કાર્યો હાથ ધરાયા હતા ત્યારબાદ લોકો હૈયા વરાળ જાહેર કરી ગ્રામસભા પૂરી થઈ ગયા હોવાનું માની પોતાના કામો લખાવવા બેસી ગયા હતા, પરંતુ યોજનાની વિવિધ ખાતાઓ દ્વારા જાણકારી મનરેગા યોજના અંગે, પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે, સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંગે, નલ સે જલ યોજના, ઇ-ગ્રામ અંતર્ગત મળતી સુવિધાઓ કે ગામના પડતર પ્રશ્નો અંગે ચર્ચા વિના ગ્રામસભામાંથી આંગણવાડીની બહેનો, આરોગ્યના કર્મચારીઓ તથા ગ્રામજનો ઊભા થઈ જતા આ કામો હાથ પર લેવાયા ન હતા.




