માંડવીના કોલસાણા ગામે દીપડાના હુમલાની ઘટનામાં મોતને ભેટેલ મૃતકના પરિવારને આર્થિક સહાય
મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે 5 લાખનો સહાય ચેક અપાયો

થોડા દિવસ અગાઉ સુરત જિલ્લાના માંડવી તાલુકાના કોલસાણા ગામ ખાતે એક 75 વર્ષીય વૃદ્ધ મહિલા ઘરના વાડાના ભાગે વાસણ ધોઈ રહી હતી. તે દરમિયાન શિકારની શોધમાં આવેલ દીપડાએ પ્રાણી સમજી વૃદ્ધ મહિલા ખાલપી બેન ભગુભાઈ ચૌધરી પર હુમલો કર્યો હતો અને શેરડીના ખેતરમાં ખેંચી ગયો હતો. જોકે આસપાસના લોકો દોડી આવતા દીપડો મહિલાને મૂકીને ભાગી ગયો હતો. વૃદ્ધ મહિલાને ગળાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર મળે એ પહેલાં જ મોત નિપજ્યું હતું.
મૃતક વૃદ્ધ મહિલાના પરિવારને આર્થિક મદદ કરાઈ
સરકારના નિયમો મુજબ મૃતક વૃદ્ધ મહિલાના પરિવારને આર્થિક મદદ મળે તે માટે વન વિભાગની ટીમે કામગીરી હાથ ધરી હતી. ત્યારે આજરોજ માંડવી વિધાનસભાના ધારાસભ્ય અને સરકારના રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિના હસ્તે મૃતક વૃદ્ધ મહિલાના પરિવારને સરકાર તરફથી મળેલ 5 લાખની સહાયનો ચેક આપવામાં આવ્યો હતો. મૃતક ખાલપી બેન વસાવાને શ્રધાંજલિ આપવામાં આવી હતી. વન વિભાગના માંડવી રેન્જ આરએફઓ વાંદાભાઈ સહિતના અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા.




