ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત માછીમારોને રાજ્ય માનવ અધિકાર આયોગનું તેડું આવ્યું
મીઠા ઉદ્યોગને જમીન ફાળવણીનો વિરોધ કરી સામૂહિક આપઘાતની ચીમકી આપી હતી

ભરૂચમાં ભાડભૂત બેરેજથી અસર પામનારા માછીમારોને માછીમારી માટે આલિયાબેટ પાસે આપવાની જગ્યા કચ્છના મીઠા ઉદ્યોગને ફાળવી દેવામાં આવતાં માછીમાર સમાજમાં રોષ ફેલાયો છે. માર્ચ મહિનામાં માછીમાર આગેવાનો ભાડભૂત બેરેજ યોજનાની ઓફિસમાં પહોંચ્યાં હતાં જયાં કલ્પસર યોજના તથા દીલીપ બિલ્ડકોન કંપનીના અધિકારીઓની હાજરીમાં વિવિધ પ્રશ્ને ચર્ચા કરવામાં આવી હતી. નર્મદા નદી પર બેરેજ બની જવાના કારણે દરિયામાંથી નદીમાં આવતી હિલ્સા માછલીઓની બંધ થઇ જતાં 25 હજાર કરતાં વધારે માછીમારોની રોજગારી છીનવાઇ તેવા સંજોગો ઉભા થયાં છે. જે તે સમયે સરકારે માછીમાર સમાજને આલિયાબેટ પાસે આવેલી જગ્યાની ફાળવણી કરવાની ખાતરી આપી હતી પણ હવે આ જગ્યા માછીમારોને બદલે કચ્છની મીઠા કંપનીને ફાળવી દેવાતાં માછીમારોમાં આક્રોશ જોવા મળી રહયો છે. માર્ચ મહિનામાં રજૂઆત કરવા ગયેલાં માછીમારોએ અધિકારીઓને સામુહિક આપઘાતની ચીમકી આપી હતી. આ સંદર્ભમાં હવે રાજયનું માનવ અધિકાર આયોગ સક્રિય બન્યું છે. ભાડભુત બેરેજથી અસર પામનારા માછીમારોની રજૂઆત સાંભળવા માટે તેમને ગાંધીનગર ખાતે બોલાવાયાં છે. 15મી ઓકટોબર સુધી તેઓ ગાંધીનગર સ્થિત રાજય માનવ અધિકાર આયોગની કચેરીએ જઇને તેમના વાંધા- સૂચનો રજૂ કરી શકશે.




