
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન પંચમહાલની સરકારી લૉ કોલેજના વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રારને આવેદનપત્ર આપ્યું છે. વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી છે કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત (BCG) દ્વારા તેમને સનદ નંબર આપવામાં આવ્યો નથી, જેના કારણે તેમનું ભવિષ્ય અનિશ્ચિત બન્યું છે.
માહિતી મુજબ, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) દ્વારા નિર્ધારિત રૂ. 3,50,000ની નિરીક્ષણ ફી કોલેજ દ્વારા ભરી શકાઈ ન હોવાને કારણે કોલેજની માન્યતા રદ કરવામાં આવી છે. આ કોલેજ સરકારી ગ્રાન્ટેડ હોવાથી એડમિશન ફી ઓછી છે, પરંતુ નિરીક્ષણ ફી ભરવાની ક્ષમતા કોલેજ પાસે નથી.
2023-24ના વર્ષમાં LL.B પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓએ BCGમાં એનરોલમેન્ટ ફી ભરી હોવા છતાં તેમને પ્રોવિઝનલ સનદ નંબર આપવામાં આવ્યો નથી. આ વિદ્યાર્થીઓને AIBE-19ની પરીક્ષામાં બેસવાની મંજૂરી મળી છે, જેનું પરિણામ ટૂંક સમયમાં જાહેર થનાર છે.
પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાની આ એકમાત્ર સરકારી લૉ કોલેજ બંધ થવાની અણી પર છે. આના કારણે 600થી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. વિદ્યાર્થીઓએ માગ કરી છે કે BCI અને BCG સાથે સંકલન કરીને એવો નિર્ણય લેવામાં આવે કે, જેથી તેમને સનદ મળે અને તેઓ વકીલાતના વ્યવસાયમાં જોડાઈ શકે.
આ પરિસ્થિતિના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં ઊંચી ફી ભરીને અભ્યાસ કરવાની ફરજ પડશે. યુનિવર્સિટી અને કોલેજની ભૂલને કારણે વિદ્યાર્થીઓના કરિયરનું ભવિષ્ય અનિશ્ચિત બન્યું છે.
વિદ્યાર્થીઓએ રાજ્ય સરકાર અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા પાસે આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે. આ મામલે સરકાર અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની પ્રતિક્રિયા હજુ સુધી મળી નથી.




