સોનગઢના જુનાગામનો મુખ્ય રોડ હાલ વરસાદના પગલે ખાડામય બન્યો છે.

સોનગઢના જુનાગામનો મુખ્ય રોડ હાલ વરસાદના પગલે ખાડામય બન્યો છે. અહીં થી પસાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સોનગઢ નગરના જુનાગામ વિસ્તારનો આ રોડ એક અજાયબી જેવો છે. છેલ્લાં બે ત્રણ વર્ષ થી ચોમાસુ પૂર્ણ થતાં જ તેના પર સિલકોટ કરવામાં આવે છે અને નવીનીકરણ પણ થાય છે. જો કે એની આવરદા એક વર્ષ કરતાં ઓછી હોય છે. એ નવો રોડ બીજા ચોમાસામાં ધોવાઈ જતો હોય છે આમ આ ચક્ર ચાલ્યાં જ કરે છે. પ્રજાના રૂપિયા તો પાણીમાં વહી જાય છે અને ખાડામય રસ્તા પરથી પસાર થવાની અગવડ ભોગવવું પડે છે એ નફામાં.
હાલ આ મુખ્ય રસ્તે થઈ સોનગઢ તાલુકાના સિંગપુર અને વેલઝર એવાં બે રૂટ ના લગભગ 25 કરતાં વધુ ગામ ના લોકો તાલુકા મથકે અવરજવર કરતાં હોય છે. એ જ રીતે રસ્તે થઈ મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો અભ્યાસ માટે અને નોકરિયાત વર્ગ નોકરી અને કામધંધા પર જવા માટે અવરજવર કરતાં હોય છે. હાલ તો ચોમાસાની ઋતુ ચાલી રહી છે પણ રોડ પર પડેલા ખાડા ને હાલ પૂરતું ટ્રેકટર કે જેસીબી વડે પુરાણ ન કરી શકાય કે એટલા કામ માટે પાલિકા પાસે ફંડ નથી.
આજે જ્યારે જુનાગામ દેવજીપૂરા ખાતે સરકારી કાર્યક્રમ માટે આવતાં પાલિકા વહીવટદાર, ચીફ ઓફિસર અને સ્ટાફ જુનાગામ મુખ્ય રસ્તા પર પડેલાં ખાડા નો પોતે અનુભવ કરશે પછી તો વાહન ચાલકોને રાહત મળે એવી કામગીરી કરશે ખરા ? પાર્ટી અને પાલિકાના દરેક કાર્યક્રમમાં હરખ પદુડા થઈ દોડી જતાં જુનાગામ વિસ્તારના માજી નગર સેવકોને આ બાબત ધ્યાન પર નથી આવતી કે તેમનું ધ્યાન માત્ર ટીકીટ મેળવવામાં જ લાગેલું રહે છે એવું લોકો પૂછી રહ્યાં છે.




