
આહવા સુબીર તાલુકાના જારસોળ ગામે જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ પોળસમાળ જુથ પાણી પુરવઠા યોજનાની ગુરૂવારે મુલાકાત લીધી હતી. ડાંગ જિલ્લામા પોળસમાળ જૂથ યોજનામાં 18 ગામ, ધાણા જુથ યોજનામાં 10 ગામ, ઉમરપાડા જુથ યોજનામાં 10 ગામ, જામન્યામાળ જુથ યોજનામાં 7 ગામ, જ્યારે સાકરપાતળ જુથ યોજનામા 25 ગામ સમાવિષ્ટ છે. આ જૂથ યોજનાઓ અમલી બનતા ડાંગ જિલ્લાના આશરે 60 હજાર જેટલા લોકોને પીવાનુ પાણી મળી રહેશે.
ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટીના અંતરિયાળ વિસ્તારના 18 ગામોને સાંકળતી “પોળસમાળ જુથ પાણી પુરવઠા યોજના”ની મુલાકાત પ્રસંગે મંત્રી કુંવરજીભાઇ બાવળીયા સાથે વિધાનસભાના નાયબ દંડક તેમજ ડાંગના ધારાસભ્ય વિજયભાઇ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ડાંગ જિલ્લાના લોકો મોટાભાગે ખેતી અને મજુરી કરી પોતાનુ ગુજરાન ચલાવતા હોવાથી પાણી પુરવઠાની રીઝોવિનેશન કામગીરીમા 10 ટકા લોકફાળો દૂર કરવા નાયબ દંડક વિજયભાઇ પટેલે મંત્રીને રજૂઆત કરી હતી.
આ પ્રસંગે પાણી પુરવઠા વિભાગના સુરત ઝોનના ચીફ એન્જિનિયર તેજસ પરમાર, વલસાડ વર્તુળના અધિક્ષક શશી વાઘેલા તેમજ ડાંગના કાર્યપાલક ઈજનેર હેમંત ઢીમ્મરે મંત્રીને ડાંગ જિલ્લાની પાણી પુરવઠા યોજનાનો ખ્યાલ આપ્યો હતો. જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના અધિકારી રમેશભાઈ ગાવિતે ડાંગ જિલ્લામા ચેકડેમ અંગેનો ચિતાર રજૂ કરતા જણાવ્યું હતું કે, સરકારની વિવિધ યોજનાઓ હેઠળ બનાવાયેલ ચેકડેમ, સંગ્રહ તળાવથી જળસંચય કરવાનો પ્રયત્ન કરાયો છે.
પંચાયત વિભાગ દ્વારા અત્યાર સુધી કુલ 756 ચેકડેમ, 395 સંગ્રહ તળાવ અને 276 ઉદ્દવહન સિંચાઇ યોજના દ્વારા 10,734 હેક્ટર વિસ્તારમાં સિંચાઇનો લાભ પહોંચાડાઇ રહ્યો છે. ડાંગ જિલ્લામાં પાણીની સમસ્યા દૂર કરવા જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના નવા ચેકડેમો માટે મંજૂરીની પ્રક્રિયા હાથ ધરવા પણ મંત્રીએ જણાવ્યું હતું.




