નર્મદા

સાગબારાના પાંચપીપરી ગામની મુખ્ય શિક્ષિકાના ચાર્જ બાબતે ચાલી રહેલો વિવાદમાં નવો વળાંક

મહિલા આગેવાન પર અનૈતિકતાના આરોપ કરનારા 18 જણ સામે ફરિયાદ

સાગબારના પાંચપીપરી ગામની શાળામાં મુખ્ય શિક્ષકના ચાર્જને લઇ વિવાદમાં વધુ એક વળાંક જોવા મળ્યો. જેમાં રાષ્ટ્રીય પુરસ્કાર સન્માનિત પ્રતિષ્ઠિત ગામની મહિલા આગેવાન ઉષાબેનના ચારિત્રય સામે આક્ષેપો કરવામાં આવતાં તેણે 18 જણ સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

પાંચપીપરી ગામની પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષિકનો ચાર્જ બદલી પામીને આવેલી શિક્ષિકાને આપવામાં આવતાં વિવાદ ઉભો થયો છે. થોડા દિવસ પહેલાં ગામના આગેવાનો તથા SMCના સભ્યોએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂઆત કરી હતી. જેમાં પૂર્વ શિક્ષક ઉત્તમભાઈ વસાવાનો ઉલ્લેખ કરી તેમની સામે આક્ષેપો લગાવ્યા હતા. બીજા દિવસે ઉત્તમ વસાવા તથા તેમના ટેકેદારોએ રાજપીપળા જઈને આવેદનપત્ર આપ્યું હતું. તેમણે ગામના આગેવાન ઉષાબેન વસાવા ઉપર અનૈતિક આક્ષેપો કર્યા હતાં. જે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોતાની બદનામી કરી હોય જે બદલ ઉષાબેન વસાવાએ ઉત્તમભાઈ વસાવા સહિત 18 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

આ બાબતે તેમણે મુખ્યમંત્રીથી લઇ પોલીસ ઇન્સપેકટરને રજૂઆત કરી છે. પાંચપીપરી ગામમાં મુખ્ય શિક્ષિકા અને ગ્રામજનો આમને સામને આવી ગયાં હોવાથી તંગ વાતાવરણ જોવા મળી રહયું છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વણસે તે પહેલાં યોગ્ય પગલાં લેવાઇ તે જરૂરી બન્યું છે. બદલી પામીને આવેલી શિક્ષિકાએ અગાઉ તેમના પર થયેલાં તમામ આક્ષેપોને નકારી કાઢ્યાં હતાં. શાળામાં મુખ્ય શિક્ષિકાને લઇને ગ્રામજનો શાળાને તાળબંધી કરવાની ચીમકી પણ આપી ચુક્યાં છે. હવે શાળામાં ભણતા બાળકોનું ભવિષ્ય અંધારામાં ધકેલાઈ રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે. હવે, જોવું આ રહ્યું કે, આ વહીવટી બાબતોમાં બાળકોના ભવિષ્ય સાથે કોઈ ચેડા ન થાય.

Related Articles

Back to top button