સોનગઢ તાલુકાના આમલપાડાના ખેડૂતને નંદુરબારના બાપ-દીકરાએ ઠગ્યો

સોનગઢ તાલુકાના જંગલ આમલપાડા ગામ ના એક ખેડૂત પાસે તેના મિત્ર એ ખેતીકામ બાબતે ટ્રેક્ટર લઈ ગયાં બાદ આ ટ્રેક્ટર ને બારોબાર ગિરવે મૂકી રૂપિયા ઉસેટી જનાર નંદુરબાર ના બાપ દીકરા સામે ફરિયાદ નોંધાઇ હતી.આ પૈકી નો આરોપી પિતા પોલીસ ના હાથે ઝડપાઇ ગયો હતો.
આ અંગે મળેલી વિગત મુજબ સોનગઢ તાલુકા ના જંગલ આમલપાડા ગામે રહેતાં યશવંત રમેશ વસાવા ખેતીકામ સાથે સંકળાયેલા છે. તેમણે ખેતી માટે સ્વરાજ કંપની નું ટ્રેક્ટર વસાવ્યું હતું.નંદુરબાર ના લોય ગામે રહેતાં દશરથ હોમાં વળવી સાથે યશવંત ની મિત્રતા થઈ હતી.ગત ઓગસ્ટ 2021 માં દશરથ અને તેનો પુત્ર દીપક વળવી ફરિયાદી યશવંત ભાઈ પાસે તેમની માલિકી નું ટ્રેક્ટર થોડા દિવસ માટે વપરાશ માટે લઈ ગયાં હતાં અને એ પછી એ પરત કરતાં ન હતાં અને બહાના બનાવતાં હતાં.
તેમણે આ ટ્રેક્ટર બરોબર લખાણ કરી ત્રણ લાખ માં ગિરવે મૂકી દીધા નું બહાર આવ્યું હતું. આખરે દશરથ વળવી અને તેના પુત્ર દીપક અને અન્ય બે સામે રૂપિયા સાત લાખ ના ટ્રેક્ટર લઈ નાસી જવા સંદર્ભે માર્ચ 2022 માં ગુનો દાખલ થયો હતો અને એ સમય થી આરોપી નાસતો ફરતો હતો.તાપી એલસીબી સ્ટાફ નિઝર નજીક આંતર રાજ્ય ચેકપોસ્ટ પાસે વાહન ચેકીંગ કરી રહ્યો હતો ત્યારે હોન્ડા બાઈક લઈ પસાર થતો આરોપી દશરથ વળવી મળી આવતાં તેને ઝડપી લેવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી માટે સોનગઢ પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.




