નર્મદા

MLA ચૈતર વસાવાએ કહ્યું; ‘પોલીસ આદેશનો પાલન ના કરે તો બદલી થાય અથવા નોકરી ગુમાવી પડે છે’

‘આપ’નાં દેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ ગતરોજ આખો દિવસ દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુજાર્યો હતો. ત્યારે હંમેશા પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરતા ધારાસભ્યએ બહાર આવતા જ પોલીસની વ્યથા જણાવી હતી.

ગતરોજ આખો દિવસ દેડીયાપાડા તાલુકામાં લોકટોળા જોવા મળ્યા હતા. રાજપારડીમાં મંજૂરી વિના પદયાત્રા કરવા તથા અંકલેશ્વરની ડેટોકસ કંપનીમાં ધડાકા દરમિયાન ફરજમાં રૂકાવટ ઉભી કરવા મામલે દેડિયાપાડાના આપના ધારાસભ્ય સામે ફરિયાદ નોંધાઈ છે. આ બંને કેસમાં પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે જઈ રહેલા ધારાસભ્યની પોલીસે નવાગામ પાસે જ અટકાયત કરી લીધી હતી. પોલીસે કાફલો રોકતાં ધારાસભ્ય અને પોલીસ વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું હતું. ત્યાર બાદ તેમને ત્યાંથી દેડીયાપાડા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશનમાંથી નીકળ્યા બાદ તેમને આ બાબતે પોલીસની વ્યથા સંભળાવી હતી.

ધારાસભ્ય જણાવ્યું હતું કે, આ કેસમાં પોલીસ ફરિયાદી બને છે ને એના માટે જ હું હાજર થવા જાવ છું તો રોકે છે. આ લોકો મારું મનોબળ તૂટી જાય એટલે ખોટી ફરિયાદો કરે છે. કોર્ટના ધક્કા ખાઈને આમાં જ અટવાયા કરીએ એમ એ લોકો આપણને હેરાન કરે છે. આપણે સારુ કરીએ તો એમને ગમતું નથી.

આ બિચારા પોલીસ પર પણ ઉપરથી પ્રેશર છે. એ લોકો તો એમની નોકરી કરે છે. ઉપરથી પ્રેશર આવે આની ઉપર પાસા કરો, તડીપાર કરો, એ કંઈ રીતે ફસાઈને આપણે ખુલ્લું મેદાન મળી જાય એમ વિચારે છે. અમે સરકારને કહીએ તો એમને કડવું લાગે છે. ગઈ વખતે ચૂંટણી આવી ત્યારે તડીપાર કરી દીધો હતો, આ વખતે પણ ચૂંટણી આવે છે પાસા કરસે કે કંઈ પણ કરસે ખરા, જો આ લોકો મારી સાથે ના હોય તો ક્યારના મને ફાંસી આપી દેત ને એમને ખુલ્લું મેદાન મળી જાત, હું ઘરે બેસી રહું રોટલા ખાયા કરું તો કોણ મને રોકવાનું. હું લોકોના પ્રશ્નો માટે લડું છું, એટલે આ લોકોના પેટમાં તેલ રેડાય છે.

ગૃહ મંત્રી અને ભાજપને આ ગમતું નથી એટલે એ લોકો પોલીસને આગળ કરે છે. ઉપરનાં એમના આકાઓ આદેશ કરે છે કે કેસ કરો પોલીસને આદેશ મળે એટલે કરવું પડે, બાકી બદલી થાય કે નોકરી જાય. એ લોકો પણ ઉજાગરા કરે છે. આપણા દુશ્મન પોલીસ નથી, એતો નોકરી કરે છે. એમની ઉપરના આકાઓ આદેશ કરે છે એ આપણા દુશ્મનો છે. સમય આવવા દો ત્યારે તેમને આપણે આપણું પાણી બતાવીશું. આમ દર વખતે પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરનાર ધારાસભ્ય આ વખતે પોલીસ સ્ટેશનમાં સમય કાઢ્યા બાદ પોલીસની વ્યથા જણાવી હતી.

Related Articles

Back to top button