ચાંપાવાડી ફાટકથી રાણીઆંબાનો રસ્તો બિસમાર

સોનગઢના આહવા રોડ પર આવેલાં ચાંપાવાડી ગામના રેલવે ફાટક પાસેથી રાણીઆંબા ગામ તરફ જતો રસ્તો વરસાદના કારણે અત્યંત બિસમાર બની ગયો હોય વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યાં છે.તંત્ર દ્વારા રસ્તાની તાકીદે મરામત કરાવવામાં આવે તેવી માંગ ઉભી થઈ છે.
સોનગઢ તરફથી જતાં ચાંપાવાડી રેલવે ફાટક ને ક્રોસ કર્યા બાદ જમણી સાઈડ ડુંગરીમાં થઈ એક રસ્તો રાણીઆંબા ગામ તરફ જાય છે. આ ડામર રસ્તો રાણીઆંબા ગામ સહિત અંદાજિત 15 જેટલાં ગામના લોકો માટે શોર્ટ કટ અને ઘણો ઉપયોગી છે. તાપ્તિ રેલવે લાઈન પર આવેલ આ ફાટક જ્યારે બંધ કરવામાં આવે છે ત્યારે વાહન ચાલકો મોટે ભાગે આ રસ્તાનો ઉપયોગ કરી રેલવે ગરનાળામાં થઈ સોનગઢ તરફ નીકળી જતાં હોય છે. હાલમાં પડેલાં વરસાદના કારણે રાણીઆંબા ગામના રેલવે ગરનાળામાં મોટા પ્રમાણમાં પાણી ભરાયેલાં હોય બાઈક અને રીક્ષા જેવા નાના વાહનના ચાલકો આ રસ્તાનો ઉપયોગ કરી ફાટક થઈ સોનગઢ તરફ જતાં જોવા મળે છે. આમ આ રસ્તો ઘણાં લોકો માટે ઉપયોગી છે ત્યારે તેની દશા સુધારવા માટે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં નથી આવતી. હાલમાં ડુંગરી માંથી પસાર થતો રસ્તો ઠેર ઠેર તૂટી ગયો છે અને તેની પર ઊંડા ખાડા પડેલા જોવા મળી રહ્યાં છે.હાલ ચોમાસું પૂર્ણ થવા તરફ જઈ રહ્યું છે અને તમામ રસ્તા પર થિંગડા મારવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે આ રસ્તા પરના ખાડા પણ તાકીદે પૂરવામાં આવે તેવી માગ સ્થાનિક વાહન ચાલકોએ કરી છે.


