નર્મદાના જીતનગરથી જૂનારાજનો રસ્તો એક વર્ષથી મંજૂર તો થઈ ગયો, પણ માત્ર કાગળ પર રહી ગયો

રાજયમાં ચોમાસામાં એક પછી એક રસ્તાઓ તૂટી રહયાં છે તેવામાં એક રસ્તો એવો પણ છે કે જે એક વર્ષથી માત્ર કાગળ પર જ રહી ગયો છે. નર્મદા જિલ્લાના જીતગઢથી જુનારાજ ગામનો રસ્તો મંજૂર થયા બાદ તેનું ભૂમિપૂજન કરાયું છે પણ એક વર્ષ વીતી ગયું છતાં એજન્સીએ હજી કામ પણ શરૂ કર્યું નથી. રસ્તો બનાવવામાં આવતો નહિ હોવાથી રોષે ભરાયેલા લોકોએ ધારાસભ્યને રજૂઆત કરી છે અને એજન્સી બદલવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.
જીતગઢ થી જુનરાજનો રસ્તો જંગલ વિસ્તારમાં હોવાથી રસ્તો બનાવવા માટેની મંજૂરી આપવામાં આવતી ન હતી. સાંસદ અને ધારાસભ્યની રજૂઆતોના પગલે સરકારે રસ્તો બનાવવાની મંજૂરી આપી 4 કરોડની ફાળવણી કરી હતી. ગત વર્ષે આગેવાનોની હાજરીમાં ભૂમિપૂજન પણ કરાયું હતું. એક વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં એજન્સીએ હજી કામગીરી શરૂ કરી નથી. ગામના આગેવાન સચિન વસાવા એ જણાવ્યું હતું કે બહુ રજૂઆતો બાદ જ્યારે અમારા ગામને પહેલી વાર રસ્તો મળ્યો છે પરંતુ કામ એક વર્ષે પણ થયું નહિ એટલે અમે રજુઆત કરી કે એજન્સી એક વર્ષથી કામગીરી કરી રહી ન હોવાથી એજન્સી બદલીને ઝડપથી રસ્તો બનાવવામાં આવે.




