
ગુજરાત વિધાનસભામાં ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પર ચર્ચા દરમિયાન ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું કે, ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને વિકાસની મુખ્ય ધારામાં જોડવા અને ગામડાંને સમૃદ્ધ બનાવવાનો સાચો વિકાસ માર્ગ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મૂળમંત્ર સાથે ગુજરાતના વિકાસનો મજબૂત પાયો નાખ્યો હતો. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ગ્રામ વિકાસની મજબૂત ઇમારત ઊભી કરી છે.
આવાસ યોજનાઓમાં મોટી જોગવાઈ
મંત્રી હળપતિએ જણાવ્યું કે, ગ્રામ્ય વિસ્તારના આવાસ વિહોણા પરિવારોને તેમના સ્વપ્નનું ઘર પૂરું પાડવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ વર્ષ 2024-25માં રાજ્યમાં 2.24 લાખથી વધુ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે. આ માટે રાજ્યના બજેટમાં ₹1226.70 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના હેઠળ આવાસ બાંધકામ માટે ₹1,20,000ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી લાભાર્થી દીઠ વધારાની ₹50,000 સહાય પૂરી પાડવામાં આવશે. આ માટે ₹550 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી જનજાતી આદિવાસી ન્યાય મહાઅભિયાન (PM-JANMAN)
મંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનની પ્રેરણાથી શરૂ થયેલી PM-JANMAN યોજના હેઠળ ગત વર્ષે જંગલ વિસ્તારમાં વસતા 3,288 આદિવાસી પરિવારોને આવાસની મંજૂરી આપવામાં આવી છે. આ યોજના હેઠળ પ્લોટ વિહોણા લાભાર્થીઓને ₹1,00,000 સુધીની પ્લોટ સહાય આપવામાં આવશે, જેના માટે ₹30 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન
ગ્રામ વિકાસ મંત્રીએ જણાવ્યું કે, ગુજરાતના ગામડાઓમાં વસતી બહેનોને સ્વનિર્ભર બનાવવા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ વર્ષ 2024-25 દરમિયાન રાજ્યભરમાં 8,362 સ્વસહાય જૂથોની રચના કરવામાં આવી છે. આગામી વર્ષે વધુ 5,950 સ્વસહાય જૂથોની રચના કરવામાં આવશે. ગત વર્ષે રાજ્યના 9,784 સ્વસહાય જૂથોને ₹29.12 કરોડનું રીવોલ્વીંગ ફંડ, 12,972 જૂથોને ₹151.09 કરોડનું કૉમ્યુનિટી ઇન્વેસ્ટમેંટ ફંડ અને 77,552 જૂથોને ₹1392.30 કરોડની કેશ ક્રેડિટ અપાઈ છે.
મનરેગા હેઠળ રોજગારી પૂરી પાડવામાં આવશે
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) હેઠળ વર્ષ 2024-25 દરમિયાન રાજ્યના 8.43 લાખ પરિવારોના 12.13 લાખ શ્રમિકોને કુલ 386.72 લાખ માનવદિનની રોજગારી આપવામાં આવી છે. આગામી વર્ષે રાજ્યના શ્રમિકોને કુલ 516 લાખ માનવદિન રોજગારી પૂરી પાડવામાં આવશે, જેના માટે ₹1129.05 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ડિજિટલ પહેલો દ્વારા પારદર્શિતા
મંત્રીએ જણાવ્યું કે, મનરેગા યોજનાના અમલીકરણમાં પારદર્શિતા, જવાબદારી અને સમયસર ફરિયાદ નિવારણ સુનિશ્ચિત કરવા માટે ડિજિટલ જોબકાર્ડ, એરિયા ઓફીસર એપ્લીકેશન, નેશનલ મોબાઈલ મોનિટરિંગ સિસ્ટમ, GIS આધારિત આયોજન, સ્વતંત્ર સામાજિક ઓડિટ યુનિટ, લોકપાલ અને ડ્રોન દ્વારા નિરીક્ષણ જેવી વિવિધ પહેલો હાથ ધરવામાં આવી છે.
અંદાજપત્રીય માંગણીઓ પસાર
વિધાનસભા ગૃહમાં ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની ₹4700.09 કરોડની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરવામાં આવી છે. આ માંગણીઓ ગ્રામીણ વિકાસ અને આવાસ યોજનાઓના અમલીકરણ માટે મહત્ત્વપૂર્ણ છે.




