
સોનગઢ તાલુકાની સેન્ટ્રલ પલ્પ મિલ્સ લિમિટેડના લગભગ 800 કાયમી કર્મચારીઓ ગત સોમવારથી તેમની વિવિધ માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાળ પર છે. આ હડતાળ શુક્રવારે પાંચમા દિવસે પણ યથાવત્ જારી છે. સીપીએમ મિલ લિમિટેડ સોનગઢ તાલુકાનો એકમાત્ર મોટો ખાનગી ઉદ્યોગ છે, જેના દ્વારા મોટી સંખ્યામાં લોકો રોજગારી મેળવે છે. જો કે, હાલના મિલ સંચાલકો દ્વારા કાયમી કર્મચારીઓની વિવિધ માંગણીઓ પ્રત્યે સકારાત્મક જવાબ ન મળવાથી કર્મચારીઓ હડતાળ પર બેઠા છે.
મિલ કર્મચારીઓ અને મેનેજમેન્ટ વચ્ચે દર ચાર વર્ષે પગાર વધારાની મિટિંગ યોજાય છે, જેમાં યુનિયનના આગેવાનો અને મિલ સંચાલકો વચ્ચે કર્મચારીઓને પગાર વધારો અપાય છે. આ પહેલા થયેલા કરારની મુદત ગત 31 મી માર્ચ 2024 ના દિવસે પૂર્ણ થઈ ગઈ છે અને હવે ફરી પગાર બાબતે ચર્ચાની જરૂર છે. આ પહેલા અગાઉના ચાર વર્ષ દરમિયાન કર્મચારીઓને 4200 રૂપિયાનો વધારો અપાયો હતો. જો કે, પાંચ વર્ષમાં મોંઘવારી વધી છે તેના પ્રમાણમાં પગાર વધારો કરી આપવાની માંગ છે, જ્યારે મિલ મેનેજમેન્ટ ગત સમયે કરેલો વધારો પણ આપવા તૈયાર નથી.
આ મુદ્દે કર્મચારીઓ અને મેનેજમેન્ટ વચ્ચે વાતચીત થઈ હતી, પરંતુ તે કોઈ પણ જાતના નિર્ણય વિના પૂર્ણ થઈ હતી. આખરે કર્મચારીઓ ફેબ્રુઆરી માસમાં મિલ સંચાલકોને લેખિતમાં જાણ કરી હતી કે 16 માર્ચ 2025 સુધી પ્રશ્નનો નિવેડો ન આવે તો તેઓ 17 મી થી અચોક્કસ મુદતની હડતાળ પર જશે. જો કે, આ ચેતવણીને પણ મેનેજમેન્ટે દરકિનાર કરતા આખરે 17 મી થી કર્મચારીઓની હડતાળ શરૂ થઈ હતી, જે પાંચ દિવસથી ચાલી રહી છે.
આ કર્મચારીઓની મુલાકાતે માજી ધારાસભ્ય અને સુમુલ ડેરીના ડિરેક્ટર કાંતિભાઈ ગામીત આવ્યા હતા. તેમણે કહ્યું કે, “આપણે તેમની પાસે ભીખ નથી માંગતા, આપણો હક માંગીએ છીએ. તમે બધા વર્કર ભાઈઓ એક રહેજો અને સાથે રહેજો, તો મિલ વાળા તમને સામે ચાલીને આપવા માટે આવવું પડશે.” મિલના યુનિયન લીડર નગીન ગામીતે કહ્યું કે, “મેનેજમેન્ટ દ્વારા કર્મચારીઓના રૂમ ભાડામાં વધારો કરી દેવાયો છે. એ સાથે એમ્બ્યુલન્સ સેવા અને અન્ય સેવાઓના ભાવમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે, જે અન્યાયી છે અને તે પરત લેવો જોઈએ.”
હડતાળના પાંચમા દિવસે પણ કોઈ સમાધાન ન થયું હોવાથી કર્મચારીઓ તેમની માંગણીઓ પૂરી કરાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાનું જણાવ્યું છે. મિલ મેનેજમેન્ટ તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટ જવાબ ન આપવામાં આવ્યો છે, જ્યારે કર્મચારીઓ તેમની માંગણીઓ પ્રત્યે અડગ રહ્યા છે. આ પરિસ્થિતિમાં મિલનું ઉત્પાદન પ્રભાવિત થયું છે અને આગળના દિવસોમાં આ મુદ્દાનો નિવેડો કેવી રીતે થાય છે તે જોવાનું રહેશે.




