સાપુતારા એકલવ્ય મોડેલ રેસિ. સ્કૂલમાં મટકી ફોડવા જતા છાત્ર ઇજાગ્રસ્ત કેસમાં મંત્રી ધૂંઆપૂંઆ

સાપુતારાની એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં 26મી ઓગસ્ટના રોજ શાળાના સંચાલકો દ્વારા સુરક્ષાનાં સાધનો વગર મટકી ફોડનાં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધોરણ-12નો એક વિદ્યાર્થી 50 ફૂટની ઉંચાઈએથી નીચે પટકાયાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ ઘટનાનાં અખબારી અહેવાલો પ્રકાશમાં આવતાની સાથે જ ડાંગ જિલ્લા પ્રાયોજના કચેરી દ્વારા આ ઘટના બની જ ન હોય તેવુ બતાવાઇ રહ્યું હતું.
શાળાનો ધો-12 કોમર્સનો વિદ્યાર્થી મટકી ફોડ કાર્યક્રમમાં સંચાલકોની બેદરકારીને પગલે પટકાતા આ વિદ્યાર્થીનાં ફ્રેકચર થવાની ઘટનાને અધિકારી દ્વારા ઢાંકપિછોડો કરતા ડાંગનાં મુલાકાતે આવેલ પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતીએ આડે હાથ લેતા જિલ્લા પંચાયત વર્તુળમાં ખળભળાટ મચી ગયો હતો.
સાપુતારાની એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં ધોરણ-12 કોમર્સમાં અભ્યાસ કરતો જીતેશભાઇ વસંતભાઈ ધૂમ (ઉ.વ. 17 રહે. શૂળયા બરડા, તા.વઘઇ, જિ.ડાંગ) 26મી ઓગસ્ટના રોજ સ્કૂલમાં યોજાયેલ જન્માષ્ટમીની મટકી ફોડ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જેમાં શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓનાં સુરક્ષાની યોગ્ય પરવા કર્યા વગર અનરાધાર વરસાદમાં શાળાના ખુલ્લા કમ્પાઉન્ડમા મટકી ફોડ કાર્યક્રમ યોજ્યો હતો. આ વિદ્યાર્થીએ સંતુલન ગુમાવી દેતા જમીન પર પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી. આ સમગ્ર ઘટનાને દબાવવા માટે આકાશ પાતાળ એક કરવાની કોશિશ કરાઇ હતી. જોકે અખબારોમાં અહેવાલ પ્રકાશિત થતા અને આદિજાતિ અને પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હળપતિ ડાંગ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. જેથી તેઓએ ડાંગ પ્રાયોજના વહીવટદાર પાસે આ ઘટનાનો અહેવાલ માંગતા પ્રથમ તો તેમણે આ વિદ્યાર્થીને કોઈ ઈજા પહોંચી ન હોવાનું જણાવી આ વિદ્યાર્થી શાળામાં હાલ રમી રહ્યાનું મંત્રીને જણાવ્યું હતું. જેથી હાજર મીડિયાએ આ છાત્ર વાંસદાની શ્રીજી હોસ્પિ.માં સારવાર લઈ રહ્યાનાં વીડિયો અને ફોટોગ્રાફ પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ સમક્ષ રજૂ કરતા સત્યતા સામે આવતા તેઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. અત્રે નોંધનીય છે કે ડાંગ જિલ્લામાં 8 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ આવેલી છે. જેમાં આદિજાતિ છાત્રોની સુવિધાઓ સહિત સુરક્ષાની જવાબદારી ડાંગ જિલ્લા પ્રાયોજના વહીવટદાર કચેરીની આવે છે ત્યારે સાપુતારા એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલમાં મટકીફોડમાં ઇજાગ્રસ્ત છાત્રને આર્થિક મદદ કરવાની જગ્યાએ વહીવટદાર દ્વારા સમગ્ર ઘટનાને દબાવાનો પ્રયાસ કરી મંત્રીને પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. રાજ્યનાં મુખ્યમંત્રી ડાંગ જિલ્લામાં કાયમી જિલ્લા વિકાસ અધિકારીની નિમણૂક કરે તેવી માંગ ઉઠી છે.
છાત્ર 50 ફૂટ ઉંચેથી પટકાયાની વાત ખોટી છે જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમ રખાયો હતો જેમાં એક છાત્ર મટકી ફોડતી વેળા પડી ગયો એ ઘટના બની તે હકીકત છે. પરંતુ જે 50 ફૂટની વાત કરવામાં આવી છે કે ચર્ચાઇ રહ્યું છે એવું નથી.> રાજ સુથાર પ્રાયોજના અધિકારી, ડાંગ.



