નેત્રંગમાં ટ્રાફિક સમસ્યા બાબતે લારીગલ્લા હટાવવા તંત્રે નોટિસ ફટકારી
સાંસદે કહ્યું હમણાં હટાવવા નહિ

નેત્રંગમાંથી બે ધોરીમાર્ગ પસાર થતાં હોવાથી ચાર રસ્તા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે. આવા સંજોગોમાં આ વિસ્તારમાં થયેલાં લારીગલ્લાઓના દબાણો હટાવી લેવા માટે નોટિસ આપવામાં આવી છે. નોટિસ આપવામાં આવતાની સાથે સાંસદ ભડકયાં છે અને જયાં સુધી રોજગારીની વ્યવસ્થા નહિ થાય ત્યાં સુધી દબાણો નહિ હટાવવા ડીડીઓને સૂચના આપી છે.
નેત્રંગ ચાર રસ્તા ઉપરથી અંબાજી-ઉમરગામ અને અંકલેશ્વર- બુરહાનપુરના ધોરીમાર્ગ પસાર થતાં હોવાથી રાત-દિવસ વાહનવ્યવહાર ધમધમતો રહેતો હોવાથી ટ્રાફિક જામ રહે છે. તેનું મુખ્ય કારણ ગેરકાયદેસર દબાણ છે. તેવા સંજોગોમાં નેશનલ હાઇવે ઓથોરિટી અને જવાબદાર વિભાગના અધિકારીઓએ ચાર રસ્તાથી માંડવી રોડ ઉપર આવેલ ગ્રા.પંચાયત બાગ સુધી, ચાર રસ્તાથી લાલ મટોડી સુધી, ચાર રસ્તાથી કોસ્યા કોલાના નાળા સુધી, ચાર રસ્તાથી ગેસ્ટ હાઉસ સુધી અને ભાવના પાન થી ગ્રા.પંચાયત કચેરી સુધીના દબાણો દૂર કરવાનો નિર્ણય લીધો છે. અને તેના સંદર્ભમાં લારીધારકોને નોટિસો પણ આપી દેવામાં આવી છે. આ વાતની જાણ સાંસદ મનસુખ વસાવાને થતાં તેમણે લોકોની રોજગારી માટે અન્ય સુવિધા ન થાય ત્યાં સુધી દબાણ હટાવવાની કામગીરી સ્થગિત કરવા માટે કલેકટરને લેખિતમાં રજૂઆત કરતાં મામલો ગરમાયો છે.




