સોનગઢના ખાંભલા ગામે આશ્રમ ફળિયા વિસ્તારમાં પાણીની ટાંકી બંધ હોવાથી સ્થાનિક લોકોને પીવાના પાણી અંગે મુશ્કેલી પડી

સોનગઢ તાલુકાના ખાંભલા ગામના આશ્રમ ફળિયામાં આવેલી પાણી પુરવઠા વિભાગની મીની પાણી યોજનાની ટાંકી બંધ સ્થિતિમાં અને બિસમાર થઈ ગઈ હોવાથી બિન ઉપયોગી થઈ ને પડી છે. એક તરફ લોકોને પીવાના પાણી માટે મુશ્કેલી પડે છે જ્યારે બીજી તરફ વાસમો અને પાણી વિભાગ નવી નવી યોજના બનાવી રહ્યું છે.
સોનગઢ તાલુકાના ખાંભલા ગામે આશ્રમ ફળિયા વિસ્તારમાં સ્થાનિક લોકોને પીવાના પાણી અંગે મુશ્કેલી પડી રહી છે. આ સંદર્ભે ટીએસપી અને અન્ય સરકારી એજન્સીના માધ્યમથી આ ફળિયામાં અને અન્ય સ્થળે મીની પાણી પુરવઠા યોજના અન્વયે ટાંકી બનાવવામાં આવી હતી અને ફળિયામાં પાઇપ લાઈન કરી ઘરે ઘરે નળ કનેક્શન આપવામાં આવ્યાં હતાં. આ યોજના પાછળ અંદાજિત ચાર લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જો કે આ સરકારી ખર્ચ માથે પડ્યો હોય તેમ આ યોજનાની ટાંકી સાથે જોડવામાં આવેલી મોટર ફૂંકાઈ ગઈ હતી અને જેનાં લીધે સમગ્ર યોજના બંધ થઈ ગઈ હતી. આ યોજના બંધ થવાની સાથે જ પાઇપ લાઈન તૂટી ગઈ હતી અને પૂરી યોજના સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે.
આ વાતને લગભગ પાંચ વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો હોવા છતાં આ યોજના બાબતે તંત્ર દ્વારા ફરીને જોવામાં આવ્યું નથી. આમ માત્ર સરકારી ચોપડે ચાલતી વધુ એક મીની પાણી પુરવઠા યોજનાની ટાંકી ઝાડી ઝાંખરામાં ખોવાઈ ગઈ છે. ગ્રામજનોના જણાવ્યાં મૂજબ મીની પાણી યોજના એટલે સરકારી નાણાંનો સીધો વ્યય છે. ત્યારે આવી બંધ પડેલી મીની પાણી યોજના ફરી શરૂ થાય એ દિશામાં પ્રયત્ન થાય એ જરૂરી છે.




