સુરત

સુમુલ ડેરીની બારડોલી બેઠક પર 35 પ્રતિનિધિ ઉમેદવારી ફોર્મ લઈ જતાં સહકારી રાજકારણમાં ખળભળાટ

સુમુલ ડેરીની બારડોલી બેઠકની પેટા ચૂંટણીમાં ફોર્મ ભરવાના બીજા દિવસે ત્રણ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ ઉપરાંત વધુ 12 લોકો ઉમેદવારી પત્રો લઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. સુમુલ ડેરીની બારડોલી બેઠકની પેટા ચૂંટણીને લઈ સહકારી ક્ષેત્રનું રાજકારણ ગરમાયું છે. ઉમેદવારીપત્ર વિતરણ અને સ્વીકારવાના પ્રથમ દિવસે કુલ 23 ફોર્મ બાદ આજે બીજા દિવસે 12 જણા ફોર્મ લઈ ગયા હતા. કુલ 35 પ્રતિનિધિઓ ચૂંટણી લડવા માટે ઉમેદવારી પત્રો લઈ જતાં સહકારી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

બીજી તરફ આજે ત્રણ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી ચૂંટણી અધિકારી સમક્ષ નોંધાવી હતી. જેમાં બામણી દૂધ મંડળીમાંથી જીતેન્દ્રભાઈ ડાહ્યાભાઈ પટેલ, માણેકપોર દૂધ મંડળીમાંથી વિરેન્દ્રસિંહ દોલતસિંહ ચાવડા અને કાંટીફળિયા દૂધ મંડળીમાંથી સુરેશભાઇ રાનીયાભાઈ ચૌધરીએ ઉમેદવારી કરી હતી.

જીતેન્દ્ર પટેલને ભાજપે મૌખિક મેંડેટ આપ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે તેના નામની જાહેરાતથી કેટલાક પ્રતિનિધિઓમાં કચવાટ ઊભો થયો છે. જેમણે ભાજપના મેંડેટ સામે પડીને હાઇકોર્ટમાં જઈ ચૂંટણી રદ કરાવી હતી તે જ મંડળીના પ્રતિનિધિનું નામ જાહેર કરતાં ભાજપમાં જ બે ફાંટા પડી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આગામી 18મી જુલાઇ સુધી ઉમેદવારીપત્રો ભરાવાના હોય હજુ પણ કેટલાક નારાજ ઉમેદવારો ફોર્મ ભરે તેવી સંભાવના છે.

Related Articles

Back to top button