માંડવી
માંડવીના તડકેશ્વર ગામે તળાવમાં નહાવા ગયેલા 21 વર્ષીય યુવકનું ડૂબી જવાથી મોત

માંડવી તાલુકાના તડકેશ્વર ગામે એક દુःખદ ઘટના સામે આવી છે. તળાવમાં નહાવા ગયેલા 21 વર્ષીય યુવકનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે. મૃતક યુવકની ઓળખ શૈલેષ નંદલાલ કુમાર તરીકે થઈ છે, જે ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લાના લંભુવા તાલુકાના થાના ચાંદા ગામનો વતની હતો.
ગઈકાલે શૈલેષ તેના મિત્રો સાથે તળાવમાં નહાવા ગયો હતો. આ દરમિયાન તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ ઘટના બાદ માંડવી ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે આજે સવારે શોધખોળ બાદ યુવકનો મૃતદેહ તળાવમાંથી શોધી કાઢ્યો હતો.
શૈલેષ એક ખાનગી કંપનીમાં નોકરી કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો. તેના અકાળે અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. માંડવી પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર કેસની તપાસ ASI જશવંતભાઈ પટેલીયા કરી રહ્યા છે.




