નર્મદા
દેડિયાપાડાથી સાગબારા જવાના રોડ ઉપર કાલબી ગામના ઢાળ (ટેકરા) પાસે એક ટ્રક ખીણમાં ખાબકતાં ડ્રાઇવરનું મોત થયું

નર્મદા જિલ્લાના દેડીયાપાડા થી સાગબારા જવાના રોડ ઉપર કાલબી ગામના ઢાળ (ટેકરા) પાસે એક ટ્રક ખીણમાં ખાબકતાં ડ્રાઇવરનું મોત થયું છે. સુરેન્દ્રનગરના ચોટીલાનો લાલજી વાલાણી ટ્રક પર ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. તે ટ્રકમાં સામાન ભરી આવી રહયો હતો. તે સમયે નર્મદા જિલ્લામાં આવ્યા અને દેડીયાપાડાના કાલબી ગામ પાસે આવેલ ઢાળ ચઢાવતા અચાનક તેણે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. બેકાબુ બનેલી ટ્રક રોડની સાઇડ પરની ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં ડ્રાઇવર ટ્રકની નીચે દબાઇ જતાં ગંભીર ઇજાના પગલે તેનું મોત થયું હતું. બનાવ અંગે દેડિયાપાડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ભારતથી ગુજરાતમાં આવતી ટ્રકો નર્મદા જિલ્લાના જંગલવાળા વિસ્તારમાંથી પસાર થતી હોવાના કારણે અકસ્માતના બનાવો બનતાં રહે છે.




