માંડવી

માંડવીના વિરપોર ગામે ખેતરોમાંથી પસાર થતી પાવરગ્રીડ વીજલાઇનનો વિરોધ

માંડવીના વિરપોર ગામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી પાવરગ્રીડ વીજ લાઇનનો ખેડૂતોએ વિરોધ કર્યો છે. ખેડૂતોની પરમિશન વિના જ ખેતરોમાં કામ શરૂ કરી દેવાતાં ખેડૂતોએ હંગામો કર્યો હતો. ખેડૂતો દ્વારા રોષ વ્યક્ત કરતાં મામલો ઉગ્ર બન્યો હતો. ખેડૂતો અને પાવર ગ્રીડના અધિકારીઓ વચ્ચે તું તું મે મે થયું હતું.

સુરતના માંડવી તાલુકાના વિરપોર ગામે ફરી એકવાર ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા દ્વારા છેલ્લા ઘણા સમયથી વીજ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. કચ્છના હાવડાથી નવસારી સુધી નવી વીજલાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ કામગીરીને લઈ ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. ખેડૂતોની કોઈપણ પ્રકારની પરમિશન વિના ખેતરોમાં કામગીરી શરૂ કરી દેવાતાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો.

પોલીસ બંદોબસ્ત સાથે પાવર ગ્રીડના અધિકારીઓ દ્વારા ખેડૂતોના ખેતરોમાં કામગરી શરૂ કરાતા મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયાં હતાં અને કામ અટકાવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી ખેડૂતો પાવર ગ્રીડ લાઈન પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજરોજ ફરી પાવર ગ્રીડના અધિકારીઓ દ્વારા ખેડૂતોને કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના ખેતરમાં કામ શરૂ કરી દેવાતા ખેડૂતોએ રોષ વ્યક્ત કરી હંગામો કર્યો હતો.

પાવર ગ્રીડ વીજ લાઈન પ્રોજેક્ટથી ખેડૂતોની મહામુલી ફળદ્રુપ જમીન ખરાબ થઈ રહી છે, સાથે જ અસરગ્રસ્ત ખેડૂતોને નુકશાનીનું યોગ્ય વળતર પણ આપવામાં આવ્યું નથી. ​​​​​​પાવર ગ્રીડ વીજ લાઈન પ્રોજેક્ટથી ખેડૂતોને મોટું નુકશાન છે. જૂના કાયદા હેઠળ વળતર આપવાને લઈ ખેડૂતો છેલ્લા ઘણા સમયથી પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા સામે લડત લડી રહ્યા છે. આજે ફરી એકવાર ખેડૂતોને જાણ કર્યા વિના જ ખેતરોમાં કામ શરૂ કરી દેવાતાં ખેડૂતો વિફર્યા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

ખેડૂતોના વિરોધને પગલે સુરત જિલ્લા કલેક્ટરે મધ્યસ્થી કરતાં મામલો થાળે પાડ્યો હતો. ખેડૂતોની માગ હતી કે, નવા કાયદા મુજબ સર્વે કરી ખેડૂતોને નુકશાનીનું વળતર ચુવવામાં આવે. ત્યારે ખેડૂતોની માંગણીને ધ્યાને લઇ જિલ્લા કલેક્ટરે ખેડૂતો પાસે એક અઠવાડિયાનો સમય માંગ્યો હતો. જિલ્લા કલેક્ટરે ખેડૂતોને નવું વળતર આપવાની ખાતરી આપતાં ખેડૂતોએ એક ટાવર નાખવાની મંજૂરી દર્શાવી હતી.

Related Articles

Back to top button