નર્મદા જિલ્લામાં સમાન સિવિલ કોડ સમિતિની બેઠક યોજાશે

ગુજરાત સરકાર દ્વારા રચવામાં આવેલી સમાન સિવિલ કોડ (યુનિફોર્મ સિવિલ કોડ) સમિતિના સભ્યો નર્મદા જિલ્લાની મુલાકાત લેશે. સમિતિના સભ્યો ગીતા શ્રોફ અને દક્ષેસ ઠાકર દ્વારા 28 માર્ચ, શુક્રવારે સવારે 11 કલાકે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે સ્થાનિક અગ્રણીઓ, ધાર્મિક નેતાઓ, વિદ્વાનો અને નાગરિકો સાથે બેઠક આયોજિત કરવામાં આવી છે.
આ બેઠકમાં સમાન સિવિલ કોડના અમલીકરણ સંબંધિત સૂચનો અને જનમત મેળવવામાં આવશે. જિલ્લાના સાંસદ, વિધાયકો, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર્સ, કાયદાકીષ્ણાંતો, સામાજિક કાર્યકરો અને ગણમાન્ય નાગરિકો તેમના વિચારો રજૂ કરશે.
સમાન સિવિલ કોડ અંગે રાજ્યભરમાં જિલ્લાઓની મુલાકાત લઈ જુદા-જુદા વર્ગોનો અભિપ્રાય લેવાની આ પ્રક્રિયા ચાલી રહી છે. નર્મદા જિલ્લામાં આ બેઠક દ્વારા સ્થાનિક સમુદાયની ભૂમિકા અને સૂચનોને સરકાર સમક્ષ મૂકવામાં આવશે.
કલેક્ટર કચેરી સ્ત્રોતે જણાવ્યું છે કે, બેઠકમાં ઉપસ્થિત થનારા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને સામાન્ય નાગરિકો તેમના મંતવ્યો દ્વારા સમિતિને માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમનું મુખ્ય ધ્યેય રાજ્યમાં સમાન નાગરિક સંહિતાની રૂપરેખા તૈયાર કરવા માટે જનસહભાગીતા સુનિશ્ચિત કરવાનું છે.




