વડોદરાના બેંક ઓડિટરનું ડેડીયાપાડામાં કરુણ મોત

ડેડીયાપાડા ખાતે બેંક ઓડિટ માટે આવેલા વડોદરાના 51 વર્ષીય કર્મચારીનું આકસ્મિક મોત થતાં ચકચાર મચી ગઈ છે. વડોદરાના ગોત્રી રોડ સ્થિત સારાબાદ સોસાયટીના રહેવાસી પ્રમોદકુમાર રામનાથ પ્રસાદ બેંક ઓફ બરોડાની ડેડીયાપાડા શાખામાં ઓડિટ કરવા આવ્યા હતા.
28 જાન્યુઆરીએ સાંજે તેઓ નિંગટ ગામ પાસે આવેલી રામેશ્વર હોટલમાં રોકાયા હતા. બીજા દિવસે સવારે લગભગ 10:30 વાગ્યે જ્યારે તેઓ પોતાના રૂમમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા. હોટલના કર્મચારીઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી અને તેમને ડેડીયાપાડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
સ્થાનિક રહેવાસી રીતેશ અશોક વસાવાની ફરિયાદના આધારે ડેડીયાપાડા પોલીસે અકસ્માત મોતનો કેસ નોંધીને આ ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ કરી રહી છે.




