નર્મદારાજનીતિ

“નર્મદાને કાંઠે પણ તરસ્યું ગામ: ડેમથી 15 કિમી દૂર, પાણી માટે રોજ 9 કિમી ચાલવાની ફરજ!”

"ડેમની નજીક છતાં પાણી વિનાનું ગામ: 'કન્યા નહીં આપે કોઈ, કારણ અમારે પાણી નથી!'"

આઝાદીના 75 વર્ષ પછી પણ ગુજરાતના નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ચાપટ ગામના પેટા ફળિયામાં રહેતા 250થી વધુ લોકોને પીવાના પાણી માટે રોજ 9 કિલોમીટર ચાલવું પડે છે. નર્મદા ડેમથી માત્ર 15 કિલોમીટર દૂર આવેલા આ ફળિયામાં મૂળભૂત સુવિધાઓનો ભારે અભાવ છે, જેના કારણે ગ્રામજનોને ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.

નર્મદાનું પાણી કચ્છ સુધી, પણ ડેમની નજીકના ગામો તરસ્યા

ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા નદીનું પાણી કચ્છ સુધી પહોંચી ગયું છે, પરંતુ નર્મદા ડેમથી માત્ર 15 કિલોમીટર દૂર આવેલા ચાપટ ફળિયામાં પાણીની એક ટીપાં માટે લોકોને નદી સુધી પદયાત્રા કરવી પડે છે. ફળિયામાં પાણીની પાઇપલાઇન નથી, કારણ કે અહીં જવા માટે પાકો રસ્તો પણ નથી. ગ્રામીણોને બેડા લઈને દિવસમાં 3 વાર 3-3 કિલોમીટરની યાત્રા કરવી પડે છે, જેમાં તેમનો વધુ સમય અને શક્તિ નષ્ટ થાય છે.

ગર્ભવતી મહિલાની વેદના: રસ્તામાં જ થયો પ્રસવ

આ ફળિયામાં આરોગ્ય સેવાઓનો પણ અભાવ છે. થોડા સમય પહેલા, ગર્ભવતી પાયલબેન નરેશભાઈને અચાનક પીડા થતાં ગ્રામજનોએ જોળી બનાવીને તેમને હોસ્પિટલ લઈ જવાનો પ્રયત્ન કર્યો, પરંતુ રસ્તામાં જ તેમણે બાળકને જન્મ આપ્યો. આ ઘટનાથી ગામની દયનીય સ્થિતિ સ્પષ્ટ થાય છે.

લગ્નમાં પણ અડચણ: કન્યાઓ આવતી નથી

ગામના લોકોની સૌથી મોટી ચિંતા એ છે કે પાણીની સમસ્યાને કારણે કોઈ પણ કુટુંબ અહીં પોતાની દીકરીનું લગ્ન કરવા તૈયાર નથી. શકુબેન મહેન્દ્રભાઈ વસાવા જણાવે છે કે, “અમારા ફળિયામાં પાણી ન હોવાથી કોઈ પોતાની છોકરી અહીં આપતું નથી. લગ્ન ટાળવામાં આ એક મુખ્ય કારણ છે.”

પંચાયતનો જવાબ: “આ લોકો ખોટી રીતે રહે છે”

વધરાલી ગ્રામપંચાયતના સરપંચ તડવી પંકજભાઈએ જણાવ્યું કે, “આ ફળિયાના લોકો 1992માં વિસ્થાપિત થયા હતા. અહીં કોઈ પાકો રસ્તો નથી, બોટ દ્વારા જ આવી શકાય છે. આ લોકો પાસે કોઈ આકરણી કે પંચાયતના પુરાવા નથી, તેથી તેઓ ખોટી રીતે રહે છે.”

નર્મદા ડેમ જેવા મહત્વપૂર્ણ પાણીના સ્ત્રોતની નજીક રહેતા ચાપટ ફળિયાના લોકો આજે પણ પાણી માટે તરસી રહ્યા છે. સરકારી યોજનાઓ અને વિકાસના દાવા હોવા છતાં, આવા દૂરદરાજના વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓની ભારે કમી છે. ગ્રામીણોની પીડા સાંભળવા અને તાત્કાલિક પગલાં લેવા સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર તરફથી ગંભીર પગલાંની જરૂર છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button