સોનગઢના નવાગામ વિસ્તારમાં પાણીનો ટાઈમ ફિક્સ ન હોવાથી મુશ્કેલી

સોનગઢના મરીમાતા રોડ નવાગામ,સ્ટેટ બેંક રોડ,શિવ નગર વગેરે વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાલિકા દ્વારા અનિયમિત અને ઓછાં પ્રેશર સાથે પાણી આપવામાં આવી રહ્યું છે. આ બાબતે નારાજ લોકોએ મંગળવારે નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિત ફરિયાદ કરી હતી.
સોનગઢ પાલિકા ચીફ ઓફિસરને ઘણા સમય પહેલાં આ વિસ્તારના પાણીના પ્રશ્ન બાબતે રજુઆત થઈ હતી, જ્યારે એક સિનિયર સિટીઝન વડીલનો ચીફ ઓફિસર સાથેની ઉગ્ર વાતચીતનો વિડીઓ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે તે સમયે આગેવાનોએ પણ નવાગામની પાણીની સમસ્યા ની અંતની ખાતરી આપી હતી પણ એમાં કોઈ સુધારો થયો નથી. સ્થાનિક લોકો પીવાના પાણીની લાઈન સાથે મોટર મૂકી વધુ પાણી ખેંચી લે છે. આવા લોકો સામે પાલિકા પગલાં ભરવામાં આવ્યા નથી.એ સાથે જ મરી માતા રોડ નવાગામ વિસ્તારમાં પાણી છોડવાનો સમય પણ નક્કી નથી હોતો જેથી લોકો એ આખો દિવસ પાણીની રાહ જોઈને બેસી રહેવું પડે છે. સમસ્યા અંગે ટૂંક સમયમાં કોઈ નિરાકરણ નહિ આવે તો મહિલાઓ ભુતકાળની માફક પાલિકા કચેરી ખાતે પહોંચી માટલા ફોડવાનો કાર્યક્રમ કરશે એવું પણ પત્રમાં જણાવવામાં આવ્યું છે.




