ઉકાઈ નજીક ડાબા કાંઠા કેનાલના ભુરિવેલ કોલોની સહિત નજીકના ગામના લોકો જે સર્વિસ રોડનો ઉપયોગ કરતાં હતાં એમાં પાણી ભરાતાં રાહદારીઓ મુશ્કેલી સામનો કરી રહ્યા છે

ઉકાઈ ડેમમાંથી નીકળતી ડાબા કાંઠા કેનાલના સર્વિસ રોડ પર વરસાદી પાણીનો ભરાવો થઈ જતાં અહીંથી પસાર થતાં રાહદારીઓ ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉકાઈ ડાબા કાંઠાની કેનાલની સાઈડમાં સર્વિસ રોડ બનાવવામાં આવે છે પણ આ રોડ બાબતે યોગ્ય ધ્યાન આપવામાં આવતું ન હોવાની ફરિયાદોના કારણે ચોમાસાના સમયમાં રાહદારીઓને મુશ્કેલી પડે છે. હાલમાં પણ વરસાદ જ્યારે સારો એવો વરસી રહ્યો છે ત્યારે કેલ્સ હોટેલ પાસે આવેલા સર્વિસ રોડ પાસે મોટા પાયે વરસાદી પાણી ભરાયેલાં જોવા મળે છે. આ સ્થળની નજીક એક તરફ ખાડી આવેલી છે જ્યારે બીજી તરફ કેનાલ છે જેથી રસ્તો પસાર કરતાં લોકો જાન જોખમમાં નાખી ખાડી પરની સંરક્ષણ દીવાલ ની ઉપરથી ચાલી રસ્તો પસાર કરી રહ્યાં છે.આ અંગે સિંચાઇ વિભાગ યોગ્ય ધ્યાન આપી સર્વિસ રોડ પર જ્યાં વરસાદી પાણીનો ભરાવો થાય છે ત્યાં યોગ્ય મટીરીયલ વડે પુરાણ કરાવી આપે તો સ્થાનિક લોકોની સમસ્યાનું નિરાકરણ આવી શકે તેમ છે.




