
આજરોજ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે કલેક્ટર ઓફિસે જિલ્લા સંકલન સમિતિની બેઠક રાખવામાં આવી હતી. જેમાં કલેકટર, અધિકારીઓ, ચૂંટાયેલા પ્રધીનિધીઓ હજાર રહ્યા હતા. બેઠકમાં જિલ્લામાં થતાં કામોની ચર્ચા કરવામાં આવી રહી હતી. ત્યારે બેઠકમાં હજાર ડેડીયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવાએ સવાલો પૂછતાં તેમના સવાલોનો કોઈએ જવાબ આપ્યો ન હતો. તેથી તેઓ ચાલુ સભામાંથી નીકળી ગયા હતા અને કલેક્ટરની ઓફીસ બહાર ધરણાં પર બેસી ગયા હતા. પોલીસે તેમને સમજાવાની કોશિશ કરી હતી પણ એ પણ નિષ્ફળ નીવડી હતી અને જ્યારે તેમના સવાલોના જવાબ મળશે ત્યારે જ ચૈતર વસાવા ઉભા થશે તેવી તેમણે પ્રતિક્રિયા આપી હતી.
‘મેં સભામાં સવાલ પુંછ્યો તો કોઈએ જવાબ ન આપ્યો’
ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, આજે ત્રીજા શનિવારે સંકલનની બેઠક યોજાઈ હતી. જેમાં સાત દિવસ પહેલા લોકોનાં પ્રશ્નોની રજૂવાત કરવાની હોય છે. ત્યારે ગુજરાતમાં 41 જેટલા તાલુકાને વિકસીત તાલુકા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ડેડીયાપાડા, સાગબારા તાલુકાનો પણ સમાવેશ થયો છે અને તેના 4 કરોડનું બજેટ આવ્યું હતું અને મિટિંગ પણ થઈ હતી. જેમાં ડેડીયાપાડાના 100 અને સાગબારાના 100 ખેડૂતોના બોર, મોટરો મંજૂર કર્યા હતા. જેના આયોજનને અધિકારીએ એજન્સીના ઇસારે બદલી તળાવો, બાયો ગેસ મંજૂર કરી દીધા છે. આ સવાલ મેં પૂંછ્યો તો મને કોઈ જવાબ આપવા તૈયાર નથી.
‘અમને બેઠકમાં ચા-નાસ્તો કરવા બોલાવે છે?’
વધુમાં ઉમેરતા તેમણે જણાવ્યું હતું કે, મારો બીજો પ્રશ્ન છે ટ્રાયબલ મ્યુઝિયમમાં 30 ટકા કામગીરી થઈ છે. બાકીની ક્યારે થશે તે બાબતે પણ જવાબ આપ્યો નથી. જેની જમીનો ગઈ છે એવા એકતાનગરમાં સ્કૂલ ક્યારે બનશે તેનો પણ જવાબ મળ્યો નથી. સાથે સાથે મનરેગામાં એકની એકજ એજન્સીને કામ કેમ આપે છે. જેની સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે એમને 22 કરોડના બિલો ચુકવણા થયા છે. ઝરવાણી ગામમાં પાણી નથી પહોંચ્યું અને 62 કરોડના કામો કરી નાંખ્યા છે. જેનો પણ અધિકારીઓએ જવાબ આપ્યો નથી. પ્રાયોજનામાં 275 કલમમાં 5 કરોડ 83 લાખનાં કામ થયા છે. જે સ્થળ પર થયા નથી છતાં અધિકારી બોલવા તૈયાર નથી. આ બધા સવાલોના મારે જવાબ જોઈએ છે. સંકલન સમિતિમાં કોઈ અધિકારીઓ જવાબ આપતા નથી તો શું કામ અમને બોલાવે છે, માત્ર ચા-નાસ્તો કરવા બોલાવે છે?.
સમગ્ર પંથકમાં પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો
આ બધી રજૂઆતને લઇને ચૈતર વસાવાએ ડેડીયાપાડા, સાગબારાના સરપંચોને બોલવાનો આદેશ આપ્યો છે અને કલેક્ટર કચેરીએ ધરણાં પર બેઠા છે. જે પગલે સમગ્ર પંથકમાં હાલ પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. ડેડીયાપાડાથી રાજપીપળા સુધીના રસ્તા પર પોલીસ ગોઠવી દેવામાં આવી છે. જેથી એમના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં કાર્યકર કે અન્ય લોકો ન આવે અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ સતર્ક થઈ ગઈ છે.




