દેશરાજનીતિ

સંસદની સદસ્યતા ક્યારે ક્યારે છીનવાઈ જાય?

ખાસ; મહુઆ મોઇત્રા મામલો

‘પૈસા લઈને સવાલ પૂછવાના’ મામલે લોકસભાની ઍથિક્સ કમિટીની ભલામણ પર તૃણમૂલ કૉંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાનું સાંસદપદ રદ્દ કરી દેવામાં આવ્યું છે. મહુઆ મોઇત્રા પર આરોપ હતો કે તેમણે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેમની કંપનીઓના સમૂહને નિશાન બનાવવા માટે સતત સંસદમાં સવાલો પૂછ્યા અને તેમના માટે તેમણે લાંચ લીધી હતી.


આ આરોપો ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ લગાવ્યા હતા જેમની પહેલાં પણ મહુઆ મોઇત્રા સાથે શાબ્દિક ખેંચતાણ થતી રહી છે.

મહુઆ મોઇત્રા આ આરોપોને સતત નિરાધાર ગણાવતા રહ્યાં છે અને તેમનું સાંસદપદ રદ્દ કરી દેવાયા બાદ પણ તેમણે લડાઈ ચાલુ રહેશે તેવું જણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે કોઈ આધાર કે પુરાવાઓ વગર જ તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે.

ભારતીય સંસદના ઇતિહાસ પર નજર નાખીએ તો અલગ-અલગ સમયે રાજ્યસભા અને લોકસભા સાંસદોની સદસ્યતા રદ્દ થઈ છે. ધારાસભ્યોને પણ અનેક વાર અયોગ્ય ઘોષિત કરવામાં આવ્યા છે.

સામાન્ય રીતે કોઈ સદસ્યનું મૃત્યુ થાય અથવા તો તેઓ રાજીનામું આપે તો એ પરિસ્થિતિમાં તેમનું પદ ખાલી થાય છે.

પરંતુ એ સિવાય પણ એવાં અનેક કારણો છે જેના લીધે કોઈનું સાંસદપદ રદ્દ થાય છે. ભારતના બંધારણના વિવિધ અનુચ્છેદ, જનપ્રતિનિધિત્વ સાથે જોડાયેલા કાયદાઓ અને સંસદીય નિયમો હેઠળ આમ થઈ શકે છે.

આગળ આ લેખમાં આપણે એ કારણોને જોઈશું કે જેના હેઠળ રાજ્યસભા કે લોકસભાના સાંસદોને અયોગ્ય જાહેર કરવામાં આવે છે.

બંને ગૃહોની સદસ્યતા પર

જો કોઈ સદસ્ય સંસદના બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભા માટે ચૂંટાઈ આવે તો તેમને એક નિશ્ચિત સમયગાળામાં કોઈ એક ગૃહના સદસ્ય તરીકે રાજીનામું આપી દેવું પડે છે.

જો તેઓ આમ ન કરે તો તેમને અયોગ્ય જાહેર કરી દેવામાં આવે છે. ભારતના બંધારણના અનુચ્છેદ 101 પ્રમાણે સંસદને આ વ્યવસ્થા જાળવવાનો આદેશ કરવામાં આવ્યો છે જેમાં કોઈ સદસ્ય બંને ગૃહોનો સદસ્ય ન હોય અને જો એવું થાય તો તેણે કોઈ એક ગૃહની સદસ્યતા છોડવી પડે.

આ સાથે જ એવું કહેવામાં આવ્યું છે કે કોઈ સદસ્ય સંસદ અને વિધાનસભા ગૃહ બંનેના એક સાથે સદસ્ય ન બની શકે.

જો તેઓ એક નિશ્ચિત સમયસીમામાં બેમાંથી એક સદસ્યતા છોડતા નથી તો તેમની સંસદ સદસ્યતા છીનવી લેવામાં આવશે.

જણાવ્યા વગર ગેરહાજર રહે તો

જો સંસદના કોઈ પણ ગૃહનો સભ્ય 60 દિવસ સુધી પરવાનગી વિના તમામ બેઠકોમાં ગેરહાજર રહે તો તેની બેઠક ખાલી જાહેર કરી શકાય છે.

એટલે કે સાંસદનું સભ્યપદ સમાપ્ત થઈ શકે છે.

બંધારણના અનુચ્છેદ 101 મુજબ, જે દિવસો દરમિયાન સત્ર ચાર દિવસથી વધુ મુલતવી રાખવામાં આવે છે અથવા સ્થગિત કરવામાં આવે છે તે દિવસો આ 60 દિવસમાં ગણવામાં આવશે નહીં.

લાભના પદ પર હોય તો

બંધારણનો અનુચ્છેદ 102 કહે છે કે કોઇ પણ સદસ્ય જો ભારત સરકાર કે રાજ્ય સરકારના એવા પદ પર રહે છે કે જે લાભની શ્રેણીમાં આવી શકે તો તેને અયોગ્ય જાહેર કરી શકાય છે.

જો કાયદાઓ હેઠળ સાંસદો એ પદ પર રહી શકતા હોય તો જ તેમને અયોગ્ય જાહેર કરી શકાતા નથી.

બંધારણની કલમ 102(1)(એ) હેઠળ સાંસદો અને કલમ 191(1)(એ) હેઠળ વિધાનસભા સદસ્યોને એવા પદો પર રહેવાની મનાઈ કરવામાં આવી છે જ્યાં પગાર, ભથ્થાં કે બીજા કોઈ સરકારી લાભ મળતા હોય.

આ જ વ્યવસ્થા હેઠળ જાન્યુઆરી 2018માં ચૂંટણીપંચની ભલામણ પર તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના 20 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરી દીધા હતા.

માનસિક રીતે અસ્વસ્થ હોય

જો કોઈ સાંસદ કોઈ કોર્ટ દ્વારા માનસિક રૂપે સ્વસ્થ નથી એવું જાહેર કરવામાં આવે છે તો તેમની સદસ્યતા રદ્દ થઈ શકે છે.

આ જ રીતે જો કોઈ સાંસદ દેવાળિયા જાહેર કરવામાં આવે છે અથવા તેમને કોઈ કોર્ટમાંથી રાહત ન મળે તો તેમની સદસ્યતા રદ્દ થઈ શકે છે.

નાગરિકતા છોડી દીધી હોય

જો કોઈ વ્યક્તિ ભારતની નાગરિક નથી અથવા અન્ય કોઈ દેશની નાગરિકતા મેળવે છે, તો તેનું સભ્યપદ રદ કરવામાં આવશે.

કલમ 102 કહે છે કે આ સિવાય જો તમે અન્ય કોઈ દેશ પ્રત્યે વફાદારી બતાવશો તો સભ્યપદ પણ રદ્દ કરી દેવામાં આવશે.

પક્ષપલટો કરવા પર

બંધારણની કલમ 102 અનુસાર, કોઈ સાંસદની સદસ્યતા દસમી અનુસૂચિ હેઠળ પણ રદ્દ થઈ શકે છે.

ભારતીય બંધારણની આ અનુસૂચિને પક્ષપલટા વિરોધી કાયદો પણ કહેવામાં આવે છે.

તેના હેઠળ જો કોઈ સાંસદ એ પક્ષની સદસ્યતા છોડે છે જેના નામ પર તેઓ ચૂંટાયા છે તો તેની સદસ્યતા રદ્દ કરી દેવામાં આવશે. જોકે, તેમાં અપવાદ પણ છે.

એક રાજનીતિક પક્ષ કોઈ બીજા પક્ષમાં વિલય પણ કરી શકે છે પણ તેમાં એક શરત એવી પણ છે કે ઓછામાં ઓછા બે તૃતીયાંશ ધારાસભ્યો તેના સમર્થનમાં હોય.

આ પરિસ્થિતિમાં પક્ષપલટો કરનારા સભ્યોની સદસ્યતા જળવાઈ રહેશે.

પક્ષના આદેશોનું ઉલ્લંઘન કરવામાં આવે ત્યારે

દસમી સૂચિમાં જ એવી જોગવાઈ છે કે સાંસદે તેમના પક્ષ દ્વારા જાહેર કરાયેલા વ્હીપનું સન્માન કરવું પડશે.

જો કોઈ પણ સાંસદ કોઈ મુદ્દા પર મતદાન કરતી વખતે તેના પક્ષના આદેશનું પાલન ન કરે અથવા મતદાનમાં ગેરહાજર રહે તો તેનું સભ્યપદ રદ્દ થઈ શકે છે.

જેલ જવાની સજા થાય ત્યારે

જનપ્રતિનિધિત્વ કાયદામાં એવી જોગવાઈ છે કે જો કોઈ સાંસદને અમુક કાયદા હેઠળ બે કે તેથી વધુ વર્ષની જેલની સજા થાય તો તેનું સભ્યપદ છીનવાઈ શકે છે.

જોકે, ઉચ્ચ અદાલત દ્વારા સજા પર સ્ટે મૂકવામાં આવે તો ગેરલાયક ઠેરવવાના નિર્ણય પર પણ રોક લગાવવામાં આવે છે.

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે પણ આવું જ થયું હતું.

જનપ્રતિનિધિત્વ કાયદાની અન્ય જોગવાઇઓ

જો એવું જાણવા મળે કે કોઈ સાંસદે તેમના ચૂંટણી સોગંદનામામાં કોઈ ખોટી માહિતી આપી છે અથવા તે લોક પ્રતિનિધિત્વ કાયદાનું ઉલ્લંઘન કરે છે, તો તેમનું સભ્યપદ છીનવાઈ શકે છે.

લોક પ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ જ પૂર્વ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું.

આ કાયદાની જોગવાઇઓ હેઠળ આ કારણોથી સદસ્યતા જઈ શકે છે-

  • અનામત બેઠકો પર ખોટા સર્ટિફિકેટ સાથે ચૂંટણી લડવી
  • બે જૂથો વચ્ચે નફરત ફેલાવવી
  • ચૂંટણીને પ્રભાવિત કરવી
  • લાંચ લેવી
  • બળાત્કાર અથવા મહિલાઓ સામેના ગંભીર અપરાધો
  • ધાર્મિક સદ્ભાવના બગાડવી
  • છૂત-અછૂત જેવી ભાવનાઓને પ્રોત્સાહન આપવું
  • પ્રતિબંધિત વસ્તુઓની આયાત-નિકાસ કરવી
  • ડ્રગ્સ કે પ્રતિબંધિત સામગ્રીઓની લે-વેચ કરવી
  • આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ થવું
  • બે વર્ષ સુધીની જેલ

સંસદની આચારસંહિતાનું ઉલ્લંઘન કરવું

સંસદના બંને ગૃહોમાં ઍથિક્સ કમિટીઓ છે જે સાંસદોના આચરણ સંબંધિત ફરિયાદોની તપાસ કરે છે. રાજ્યસભામાં વર્ષ 1997થી અને લોકસભામાં વર્ષ 2000થી ઍથિક્સ કમિટી કામ કરે છે.

રાજ્યસભાના ‘રૂલ્સ ઑફ કંડક્ટ ઍન્ડ પાર્લિયામેન્ટ્રી એટિકેટ’માં લખવામાં આવ્યું છે કે સાંસદો પાસેથી એવી આશા રાખવામાં આવે છે કે –

  • તેઓ તેમનાં કર્તવ્યોનું વહન કરે
  • પ્રજાહિત સંબંધે કોઇ પણ જાતની બાંધછોડ ન કરે
  • કોઈ બિલ રજૂ કરવા સંદર્ભે કોઈ ફી કે અન્ય લાભ ન લે
  • પોતાની વિશ્વસનીયતા જાળવી રાખે
  • કોઇ પણ ધર્મને લઇને અપમાનજનક વાતો ન કરે
  • ધર્મનિરપેક્ષ મૂલ્યોને જાળવી રાખે
  • સદસ્યના રૂપમાં સાર્વજનિક જીવનમાં નૈતિકતા, મર્યાદા અને મૂલ્યોને જાળવી રાખે

રાજ્યસભાના નિયમો કહે છે કે ગૃહને તેના સદસ્યોના દુર્વ્યવહાર સંદર્ભે (ગૃહ અથવા તેની બહાર કરેલા) સજા આપવાનો અધિકાર છે.

આ મામલામાં તેઓ ચેતવણી, ફટકાર, ગૃહમાંથી બહાર કરી દેવા, સસ્પેન્ડ કરવા, સભ્યપદ રદ્દ કરી દેવું વગેરે જેવી સજા પણ કરી શકે છે.

હકાલપટ્ટી અંગે, એવું કહેવાય છે કે “દુર્વ્યવહારના ચરમ કિસ્સામાં, ગૃહ કોઈ પણ સભ્યને હાંકી કાઢી શકે છે.”

તેવી જ રીતે, લોકસભાની ઍથિક્સ કમિટી પાસે સભ્યોના ‘અનૈતિક’ વર્તનની ફરિયાદોની તપાસ કરવાની અને લોકસભાના અધ્યક્ષને ભલામણો મોકલવાની સત્તા છે.

આ સમિતિને સમયાંતરે નિયમો બનાવવા અને તેમાં ફેરફાર કરવાનો પણ અધિકાર છે.

આ જ ઍથિક્સ કમિટીની ભલામણના આધારે મહુઆ મોઇત્રાનું સાંસદપદ પણ રદ્દ કરવામાં આવ્યું છે. શુક્રવારે, ઍથિક્સ કમિટીનો રિપોર્ટ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો અને પછી તેમને લોકસભામાંથી હાંકી કાઢવામાં આવ્યાં હતાં.

તૃણમૂલ સાંસદનું કહેવું છે કે ‘ઍથિક્સ કમિટીને તેમની હકાલપટ્ટીની ભલામણ કરવાનો કોઈ અધિકાર નથી.’

ભલામણો સંબંધિત ઍથિક્સ કમિટીના નિયમો જાહેરમાં ઉપલબ્ધ નથી.

નિષ્ણાતોનું કહેવું છે કે હવે મહુઆ મોઇત્રા પાસે પોતાનું સભ્યપદ પાછું ખેંચવા માટે સુપ્રીમ કોર્ટમાં જવાનો જ વિકલ્પ બચ્યો છે.

ભૂતકાળમાં ઘણા સાંસદો અથવા ધારાસભ્યોએ તેમનું પદ જવાના નિર્ણય સામે કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે. કેટલાક કિસ્સાઓમાં કોર્ટે નેતાઓના સાંસદપદ અથવા ધારાસભ્યપદ પણ પુનઃસ્થાપિત કર્યાં છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button